સૌરાષ્ટ્ર તમિલ સંગમ'થી સૌરાષ્ટ્ર અને તામિલનાડુના સંબંધો મજબૂત બનશે
"સૌરાષ્ટ્ર તમિલ સંગમ'થી સૌરાષ્ટ્ર અને તામિલનાડુના સંબંધો મજબૂત બનશે." તેવો વિશ્વાસ આજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ તમિલનાડુમાં સ્થાયી થયેલા સૌરાષ્ટ્રીયન તમિલ લોકો સમક્ષ વ્યક્ત કર્યો હતો. 'સૌરાષ્ટ્ર તમિલ સંગમ' કાર્યક્રમનો પ્રારંભ તા.૧૭ એપ્રિલના સોમનાથ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરાવશે.
તામિલનાડુના મદુરાઈ ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌરાષ્ટ્રીયન તમિલ લોકોને સંબોધતા કહ્યું હતું કે 'એક ભારત -શ્રેષ્ઠ ભારત'ની ભાવના દેશને મજબૂત બનાવે છે. એક પ્રદેશ બીજા પ્રદેશમાંથી ઘણું જાણે છે -શીખે છે, જે એકતાની ભાવનાને પ્રગાઢ બનાવે છે. રાષ્ટ્રીય એકતાના જુસ્સાને પ્રગાઢ કરતો “સૌરાષ્ટ્ર તમિલ સંગમ” કાર્યક્રમ ગુજરાતના વિવિધ શહેરોમાં એપ્રિલ માસમાં યોજાવાનો છે.
વડાપ્રધાનએ સૌરાષ્ટ્ર અને તામિલનાના નાગરિકો વચ્ચેના તંતુ સંદર્ભે વધુમાં કહ્યું હતું કે, સદીઓ પહેલા સૌરાષ્ટ્રના લોકો તામિલનાડુના વિવિધ પ્રદેશો અને વિવિધ વિસ્તારોમાં જઈને વસ્યા હતા. આજે વર્ષો પછી પણ તામિલનાડુમાં વસેલા આ સૌરાષ્ટ્રના લોકોમાં સૌરાષ્ટ્રની કોઈને કોઈ ઝલક તેમની રહેણીકરણી- ખાનપાન વગેરેમાં જોવા મળતી હશે. આ લોકો પરત સૌરાષ્ટ્રમાં આવે તે માટે આ કાર્યક્રમો થઈ રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતમાં આગામી ૧૭ થી ૩૦ એપ્રિલ સુધી યોજાનાર સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રીયન તમિલ લોકોને આમંત્રણ આપવા માટે તમિલનાડુના વિવિધ શહેરોમાં રોડ શો સહિતના રંગારંગ કાર્યક્રમોનું આયોજન થયું છે. આ કાર્યક્રમોમાં ગુજરાતના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ, પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુત, શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા, રાજકોટ કલેકટર અરુણ મહેશ બાબુ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.