સરદાર સરોવર નર્મદા ડેમના ૨૩ દરવાજા ખોલ્યા, નર્મદા ડેમની સપાટીમાં વધારો
સોમવારના રોજ સવારે ૮-૦૦ કલાકે ઇન્દીરા સાગર ડેમ ખાતે ૨૬૨.૧૩ મીટરે સપાટી નોંધાયેલી હતી, જે ડેમની પૂર્ણ સપાટી છે. આ સમયે ઇન્દીરા સાગર ડેમના ઇનફ્લો-આઉટફ્લો બંને એક સરખા થયા હતા, જે ૧૧.૩૭ લાખ ક્યુસેક નોંધાયા હતાં. આમ, ઇન્દીરા સાગર ડેમમાંથી તા.૩૦/૮/૨૦૨૦ ના રોજ રાત્રે ૮-૦૦ કલાકથી બીજે દિવસે તા.૩૧/૮/૨૦૨૦ ના રોજ સવારે ૮-૦૦ કલાક સુધી ૧૧.૩૭ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવેલ છે. આ પાણીને સરદાર સરોવર ડેમ ખાતે આવતાં આશરે ૧૪ કલાક લાગે છે. આમ, રાત્રે ૧૨-૦૦ કલાક સુધી સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે આશરે ૧૧.૩૭ લાખ ક્યુસેક પાણી આવવાની સંભાવના રહેલી છે, તેવી જાણકારી નર્મદા ડેમના કાર્યપાલક ઇજનેર અશોક ગજ્જર તરફથી પ્રાપ્ત થઇ છે.
સોમવારે બપોરે ૩-૦૦ કલાકે સરદાર સરોવર ડેમ ખાતે ડેમની સપાટી ૧૩૨.૮૧ મીટરે નોંધાવાની સાથે ડેમમાં ૧૧.૪૦ લાખ ક્યુસેક પાણીની આવક નોંધાયેલી છે, જેની સામે આશરે ૧.૨૨ લાખ ક્યુસેક પાણીનો ડેમમાં સંગ્રહ કરી ભરૂચ તરફ ૯.૫૮ લાખ ક્યુસેક પાણી નર્મદા ડેમના ૨૩ દરવાજા મારફત છોડવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત રિવરબેડ પાવર હાઉસના ૬ યુનિટ ધમધમાટ ચાલતા હોવાથી ૧૨૦૦ મેગાવોટ વિજળી ઉત્પન્ન થઇ રહી છે અને ૪૦ હજાર ક્યુસેક જેટલું પાણી ભરૂચ તરફ વહી રહ્યું છે. આ ઉપરાંત કેનાલ હેડ પાવર હાઉસના ચાર યુનીટ કાર્યરત હોવાથી ૨૦૦ મેગાવોટ વિજળી ઉત્પન્ન થઇ રહી છે અને ૨૦ હજાર ક્યુસેક જેટલું પાણી મુખ્ય કેનાલ તરફ વહી રહ્યું છે. હાલમાં આ બંન્ને પાવર હાઉસ મારફત અંદાજે કુલ ૩.૩૬ કરોડ યુનિટ વિજ ઉત્પાદન થઇ રહ્યું છે.
આમ, સરદાર સરોવર ડેમ ખાતે આશરે ૧.૨૫ લાખ ક્યુસેક જેટલા પાણીનો સંગ્રહ કરતાં દર કલાકે આશરે ૪ થી ૫ સે.મી.નો વધારો નોંધાઇ રહ્યોં છે, જે આજે રાત્રિના ૧૨.૦૦ કલાક પછી ડાઉનવર્ડ ટ્રેઇન શરૂ થશે તેવી ધારણાં વ્યક્ત કરાઇ છે. છેલ્લે આજે સાંજે ૫-૦૦ કલાકે પ્રાપ્ત થયેલા અહેવાલ મુજબ નર્મદા ડેમની સપાટી ૧૩૨.૮૮ મીટરે નોંધાવા પામી હતી.