મોદીને સરદારના ચહેરામાં સમાવી લેવા આધુનિક થ્રીડી પ્રિન્ટિંગ ટેકનોલોજીવાળા કાર્ડ રજૂ થઈ રહ્યાં છે.
અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું લોકાર્પણ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે. આ ગુજરાત જ નહીં દેશના ઈતિહાસની એક મહત્ત્વની વિરલ ઘટના હશે. લોહપુરુષની યાદગીરી સૈકાઓ સુધી રહે તેવી બેનમૂન પ્રતિમાનું સર્જન નિઃશંકપણે ઈતિહાસમાં નરેન્દ્ર મોદીના નામ સાથે પણ જોડાયેલું રહેશે.
આ ઘટના સાથે જ એક એવી જ બેનમૂન ઘટના 'સરદારના ચહેરામાં મોદી અને મોદીના ચહેરમાં સરદાર' દર્શાવતાં થ્રીડી કાર્ડ થકી સર્જાઈ રહી છે. સરદાર સાહેબની પ્રતિમાના નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા નરેન્દ્ર મોદીને સરદારના ચહેરામાં સમાવી લેવા આધુનિક થ્રીડી પ્રિન્ટિંગ ટેકનોલોજીવાળા કાર્ડ રજૂ થઈ રહ્યાં છે.
પ્રશંસકોની ભક્તિ સરદાર અને મોદીને એક સ્વરૃપમાં રજૂ કરવા માગે છે કે જાણે-અજાણે સમોવડિયા ગણાવવા માગે છે તે તો ભગવાન જાણે... આવા થ્રીડી કાર્ડ મોટા પ્રમાણમાં છપાવીને કાલે લોકાર્પણ સમારોહમાં વહેંચવા તૈયાર કરાયેલા છે. સરકાર પક્ષ કહે છે કે અમે એ તૈયાર કર્યા નથી. પણ આવાં કાર્ડ સમારોહમાં બિનસરકારી રીતે વહેંચાય તેવી અ-સરકારી વ્યવસ્થા કોણે ગોઠવી તે પણ એક યક્ષ પ્રશ્ન છે.
સરદાર સાહેબના બેનમૂન થ્રીડી કાર્ડ અમદાવાદ સ્થિત સાયન્સ સીટીમાં વિદ્યાર્થીઓમાં વહેંચાતા જોવા મળ્યા હતા. આવતીકાલની પેઢીના બાળમાનસમાં અત્યારથી સરદાર એટલે મોદી એ વાત અંકિત કરવાનો અદ્ભૂત અને બેનમૂન પ્રયાસ છે. ઘટના યથાર્થ છે કે નહીં તે તો સમય જ કહેશે...