રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated :અમદાવાદઃ , શનિવાર, 8 જુલાઈ 2023 (14:18 IST)

Gujarat Recruitment-રાજ્ય સરકાર 25 હજાર શિક્ષકોની ભરતી કરશે, સરકારી સ્કૂલોમાં 16 હજાર નવા ઓરડા બનશે

Recruitment of teachers
એક પણ સરકારી શાળા ઓછા વિદ્યાર્થીઓ હશે તો પણ બંધ નહીં થાયઃ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફૂલ્લ પાનસેરિયા
 
Recruitment of teachers - ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં આચાર્ય અને શિક્ષકની કુલ 28,212 જગ્યા ખાલી છે.રાજ્યની 1,028 પ્રાથમિક શાળા, 786 સરકારી હાઈસ્કૂલ અને 1,775 ગ્રાન્ટેડ હાઈસ્કૂલ આચાર્ય વિનાની છે. આ ઉપરાંત રાજ્યની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકની 16,318 અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં 774 જગ્યા ખાલી પડી હોવાનું વિધાનસભાના સત્ર દરમિયાન કોંગ્રેસના સવાલનો જવાબ આપતાં રાજ્ય સરકારના મંત્રીએ લેખિતમાં જણાવ્યું હતું. હવે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફૂલ્લ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં આગામી સમયમાં રાજ્યમાં 25000 શિક્ષકોની ભરતી કરવામાં આવશે એવું તેમણે જણાવ્યું છે. 
 
નવા 16 હજાર ઓરડા બનાવવામાં આવશે
રાજ્ય શિક્ષણમંત્રીએ એવું પણ કહ્યું હતું કે, સરકારી શાળાઓમાં નવા 16 હજાર ઓરડા બનાવવામાં આવશે. એક પણ સરકારી શાળા ઓછા વિદ્યાર્થીઓ હશે તો પણ બંધ નહીં થાય. હાલમાં એક પણ શાળા બંધ નથી. તેમણે એવું પણ કહ્યું હતું કે, બીજા ગામમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ માટે સરકારી ગાડીની વ્યવસ્થા કરવાની સરકાર વિચારણા કરી રહી છે. 2022ના વિધાનસભા સત્રમાં સરકારે કોંગ્રેસના સવાલનો જવાબ આપતાં જણાવ્યું હતું કે, સરકારી પ્રાથમિક શાળામાં 19 હજાર 128 ઓરડાની ઘટ છે. શાળામાં ઓરડાની ઘટને લઇને ધારાસભ્યો દ્વારા પણ પોતાના મતવિસ્તારની રજૂઆત શિક્ષણ મંત્રીને અવાર નવાર કરવામાં આવે છે. રાજ્ય શિક્ષણ વિભાગે મળેલી રજૂઆત મુજબ રાજ્યના વિવિધ જિલ્લામાં 11000 ઓરડા તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે. આ ઓરડા પાછળ થનાર ખર્ચ બાબતે બજેટમાં પણ 937 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. મિશન સ્કૂલ ઓફ એકસેલન્સ હેઠળ નવા ઓરડા તૈયાર કરવામાં આવશે.