14 માસની દુષ્કર્મ પીડિતા સહિત પરિવારજનોને લઈને લોકો સચિવાલયના ગેટમાં ઘૂસ્યા
હિંમતનગર પાસેના ઢુંઢરમાં સપ્ટેમ્બર-2018માં 14 માસની બાળકી પર થયેલા દુષ્કર્મના કેસમાં ન્યાયની માંગ સાથે પરિવાર બુધવારે ગાંધીનગર સીએમને મળવા આવ્યા હતા. સીએમ ન મળતા બે કલાકથી બેઠેલા બધા લોકો પાસ કઢાવવા માટે ગેટ પાસેના કાઉન્ટર પર પહોંચી ગયા હતા. એક સાથે 25થી વધુ લોકોને જોતા પાસ કાઢતા કર્મચારી પણ મૂંઝાયા હતા. જોકે, પોલીસે તેમને ત્યાંથી ખસેડવાનો પ્રયાસ કરતાં ઝપાઝપથી બાદ લોકો દોડીને ગેટમાં ઘૂસી ગયા હતા. 15 મિનિટ સુધી દોડાદોડી-ઝપાઝપીનો આ માહોલ રહ્યો હતો. અને તેના કારણે સચિવાલય સામે ભારે તંગદિલી ફેલાઈ જવા પામી હતી. જોકે આ દરમિયાન પોલીસે મામલાને થાળે પાડતા વધુ વિવાદ અટક્યો હતો. લોકોને પકડવા માટે બે પીઆઈ સહિતનો પોલીસ સ્ટાફ જ્યારે ઘટના સ્થળે પહોંચ્યો ત્યારે પીડિતાના માતા-પિતા સાથે આખો પરિવાર આગળ આવી ગયો હતો અને કહેવા લાગ્યો હતો કે બીજાને પછી પહેલાં અમને પકડો. પીડિતાના પરિવાર સાથે આવેલા ભાજપના કાર્યકર ચેતન ઠાકોરે કહ્યું હતું કે, 'જો અમારું કોઈ નહીં સાંભળે તો અમે પીએમના માતાજીના ઘરે જઈને બાળકીને સોંપીને તેમને જ કહીશું ન્યાય અપાવો.' પીડિત બાળકી સાથે જ તેનો પરિવાર અને લોકો ગેટમાં ઘૂસી ગયા હતા અને થોડે જ આગળ બેસી ગયા હતા. પોલીસ અને લોકો વચ્ચેની ચકમક અને ઘર્ષણ વચ્ચે સતત રડતી બાળકી માટે એક મિનીટ સૌ થોભી ગયા હતા. બાળકીને પાણી પીવડાવ્યા બાદ પોલીસે અટકાયતની કામગીરી શરૂ કરી હતી.