રાજકોટમાં જે.કે.કોટેજ નામની કંપનીમાં આગ લાગી
બનાસકાંઠાના ડીસામાં આગની ઘટના ચર્ચામાં છે ત્યારે રાજકોટમાં પણ આગની ઘટના પ્રકાશમાં આવી છે.
રાજકોટના નવાગામના કુવાડવા રોડ પર આવેલી કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની હતી. ફેક્ટરીમાં આગની જાણ થતાં ફાયર અને પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
રાજકોટથી બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર બિપિન ટંકારીયા, ફાયર ફાયટરોએ આગ ઓલવવા કામગીરી શરૂ કરી હતી. અંદર કેમિકલ હોવાના કારણે આગ વધુ વિકરાળ બની હતી. નજીકની ફેક્ટરીમાં કામ કરતા પ્રદિપભાઈ નામના પ્રત્યક્ષદર્શી અનુસાર, જ્યારે તેઓ તેમની ફેક્ટરીમાં કામ કરી રહ્યા હતા ત્યારે તેમને વિસ્ફોટનો અનુભવ થયો હતો. જ્યારે હું બહાર આવ્યો, ત્યારે મને આગની જ્વાળાઓ દેખાતી હતી.
ફાયર વિભાગ આગ બુઝાવવા માટે સફેદ રંગના ફોર્મનો ઉપયોગ કરી રહ્યું છે. એક કલાક સુધી આગ ઓલવવાની કામગીરી સતત ચાલી રહી હતી. હાલ આગ કાબુમાં છે. જોકે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
ઉલ્લેખનીય છે કે, કારખાનાના માલિક દિપકભાઈ જયતિભાઈ નડિયાપરા છે.
ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર અમિત કે દવેના જણાવ્યા મુજબ સાત ફાયર ફાઈટર અને પચાસ સ્ટાફ દ્વારા આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફેક્ટરી પાસેથી પસાર થતી વીજલાઈન પણ બંધ થઈ ગઈ હતી. ફેક્ટરીમાં જ્વલનશીલ કેમિકલ હોવા છતાં ચોક્કસ કેમિકલ હજુ સુધી જાણી શકાયું નથી. આગનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ અને એફએસએલ તપાસમાં આગનું કારણ બહાર આવશે.