રાજકોટની યુવતીનો આરોપ, બાગેશ્વર બાબાના કહેવા મુજબ દવા બંધ કરવાથી ભાઈની તબિયત લથડી
Complaint against Bageshwar Baba in rajkot
યુવતીના પિતાએ કહ્યું બાબાએ દવા બંધ કરવા કહ્યું નથી મારી દીકરી અને પત્ની ખોટું બોલે છે
ગુજરાતના ત્રણ શહેરોમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર યોજાવા જઈ રહ્યો છે. આ દરબાર યોજાય તે પહેલાં જ વિવાદ શરૂ થયો છે. રાજકોટના સહકારી અગ્રણી પુરૂસોત્તમ પીપળીયાએ સોશિયલ મીડિયામાં બાબા વિરૂદ્ધ પોસ્ટ મુકતાં ધમકીઓ મળી રહી હોવાનું જણાવાયું હતું. ત્યારે એક પરિવાર સામે આવ્યો છે. જેમાં યુવતીનો આરોપ છે કે, બાબાનાં કહેવા મુજબ દવા બંધ કરવાથી ભાઈની તબિયત લથડી છે અને હાલ તે વેન્ટિલેટર ઉપર છે. જ્યારે પિતા કહે છે કે, પુત્રીને કાંઈ ખબર નથી, બાબાએ દવા બંધ કરવાનું કહ્યું જ નથી.
બાબાએ કહ્યું દવાઓ બંધ કરીને ભભૂતી લગાવો
સમગ્ર મામલે પુત્રીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારા ભાઈને આંચકી ઉપડતી હતી. જેને લઈને ગત તા. 10 એપ્રિલે મારા મમ્મી સહિતના તેને બાગેશ્વરધામ લઈ ગયા હતા. જ્યાં બાબાએ તેમના ભાઈના માથા ઉપર હાથ ફેરવીને કહ્યું કે, દવાઓ બંધ કરી નાખો અને હું જે ભભૂતિ આપું તે લગાવવાનું શરૂ કરી દો એટલે તેને સારું થઈ જશે. જોકે, 5 મેનાં રોજ ઘરે પરત ફર્યા બાદ 6મેની સવારે ફરી આંચકી ઉપાડતા તેને સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે અને આજે 13 દિવસ બાદ હાલ તે વેન્ટિલેટર ઉપર છે.
પિતાએ કહ્યું મારી પત્ની અને દીકરી ખોટું બોલે છે
બાળકના પિતા રમેશ વ્યાસે મીડિયાને જણાવ્યું કે, મારી પત્ની એક મહિનાથી જીદ કરતી હતી કે, મારે બાગેશ્વરધામ જવું છે. બાદમાં મારા પત્ની અને બીજી દીકરી તેમજ એક કારીગર બાગેશ્વરધામ ગયા હતા. બાબા દ્વારા દવા બંધ કરવાનું કહેવામાં આવ્યું જ નથી. સરકારી હોસ્પિટલમાંથી ત્રણ મહિનાથી દવા નહીં મળતી હોવા છતાં હું પ્રાઇવેટમાંથી દવા લઈ આવું છું. બાગેશ્વરધામ ગયા પછી બાળકને આવું થયું હોવાનો પણ તેણે સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો. બાગેશ્વરધામવાળાનો તેમાં કોઈ દોષ નથી. અમને શ્રદ્ધા હતી એટલે અમે ત્યાં ગયા હતા. મારી પત્ની અને દીકરી ખોટું બોલે છે.
પિતાને વાતની જ ખબર નહીં હોવાનું પુત્રીએ કહ્યું
પિતાની આ વાત અંગે પુત્રીએ જણાવ્યું હતું કે, તેઓને ખબર નથી. મારા મમ્મી અને બહેન ભાઈને લઈ બાગેશ્વરધામ ગયા હતા. તેમની સાથે હમણાં જ વાત થઈ છે, અને તેમણે સ્પષ્ટ કહ્યું છે કે, બાબાએ જ દવા બંધ કરવા માટે કહ્યું હતું. મારા પપ્પાને પૂરો ખ્યાલ નહીં હોવાથી તેઓ બાબાએ દવા બંધ કરવાનું કહ્યું ન હોવાનું જણાવી રહ્યા છે. મારા બીજા અંકલ સાથે પણ વાત થઈ છે અને તેમણે પણ કહ્યું છે કે, બાબાએ દવા બંધ કરવાનું કહ્યું હતું.