બુધવાર, 27 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 28 એપ્રિલ 2023 (18:21 IST)

પાટણ, મહેસાણા, રાજકોટ અને કચ્છમાં ભારે પવન સાથે વરસાદ, રાણકી વાવ જોવા આવેલા પર્યટક પર વીજળી પડતા મોત

rain in gujarat
ગુજરાતમાં 30 એપ્રિલ સુધી હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. ત્યારે આજે પાટણ, બનાસકાંઠા, મહેસાણા, રાજકોટ અને કચ્છ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ભારે પવન અને કરાં સાથે વરસાદ વરસતાં ધરતીપુત્રોની ચિંતામાં ફરી એકવાર વધારો થયો છે.

તો બીજી તરફ ભરઉનાળે વરસાદની સાથે વીજળી પડવાના કારણે રાણકી વાવ જોવા આવેલા એક પ્રવાસીનું મોત નિપજ્યું હતું.હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી જિલ્લાના ધારી ગીર વિસ્તારમાં આજે સતત ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. સરસીયા,ગોવિંદપુર,ફાસરીયા સહિત આસપાસના ગામડામાં વરસાદ પડી રહ્યો છે. તો ખાંભાના અનિડા, સમઢીયાળા સહિત ગામડામાં પણ વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસવાના કારણે ગામના રસ્તાઓ પર પૂરની માફક પાણી વહેતા થયા હતા. માવઠાના કારણે ધરતીપુત્રો ચિંતિત બન્યા છે. ખાસ કરીને કેરીનો પાક તૈયાર થવાની તૈયારીમાં છે ત્યારે જ માવઠું થતા કેરી પકવતા ખેડૂતો પણ ચિંતિત બન્યા છે.હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં સતત ત્રીજા દિવસે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. જિલ્લામાં ત્રણ દિવસથી છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. આજે પણ ભુજ અને અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. અંજારના રત્નાલ ગામે કરા સાથે પોણો કલાક સુધી વરસાદ ખાબક્યો હતો, જેને લઈ એક ઇંચ જેટલું પાણી પડી ગયું છે. લોકોએ ગામમાં ચાલતી કથાને લઈ વરસાદ બંધ રહે એ માટે મંદિરમાં આરતી પણ કરી હતી. ત્યાર બાદ ઇન્દ્રદેવે જાણે પ્રાર્થના માન્ય રાખી હોય એમ વરસાદ બંધ થયો હતો.પાટણ જિલ્લાના હારીજ તાલુકાના વાતાવરણમાં આજે બપોરના સમયે અચાનક પલટો આવ્યો હતો. અહીં ભારે પવન સાથે વરસાદ વરસતાં હારીજ માર્કેટિંગ યાર્ડમાં અફરાતફરી મચી હતી. હારીજ માર્કેટિંગ યાર્ડમાં હરાજી માટે આવેલી 4500થી વધુ બોરી એરંડા સહિતના પાકોની આવક થઈ હતી, જેમાં 2500થી વધુ બોરી ધોધમાર વરસાદને કારણે પલળી જતાં વેપારીઓ અને ખેડૂતોએ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.