રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 16 મે 2019 (12:15 IST)

ગુજરાતમાં જૂનના અંતમાં વરસાદ થાય તેવી હવામાન વિભાગની આગાહી

ભારત સરકારના હવામાન ખાતાના રાજ્યના નિયામક જયંત સરકારે બુધવારે ગાંધીનગરમાં રાજ્યના મુખ્ય સચિવ ડો. જે. એન. સિંઘે ચોમાસાની પૂર્વતૈયારી સંદર્ભે યોજેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં જણાવાયું હતું કે, અલ નિનોની ઇફેક્ટ માઇલ્ડ હોય અને એ સાથે ઇન્ડિયન ઓશન ડાયપોલ સિસ્ટમ બનતી હોય ત્યારે સારો વરસાદ થાય એવું જોવાયું છે અને ગુજરાતના સંદર્ભમાં આ પરિસ્થિતિ ઊભી થતા વાંધો નહીં આવે, જેના કારણે રાજ્યમાં ચોમાસુ સારું રહેવાનો આશાવાદ રાખી શકાય. આ બેઠકમાં ઇસરો તરફથી જણાવાયું હતું કે, ટૂંકા ગાળા માટે સચોટ આગાહી કરવાની સિસ્ટમ ઊભી થઇ ગઇ છે, જેનો લાભ આ વખતે લેવાશે. રાજ્ય સરકાર આ સંદર્ભે ઇસરો સાથે વધુ બેઠકો યોજવાની છે. એનડીઆરએફની પ્રત્યેક ટીમમાં 47 જવાનો ધરાવતી કુલ 15 ટીમો સાધનસામગ્રીથી સુસજ્જ વડોદરા અને ગાંધીનગર ખાતે ઉપલબ્ધ થઇ ચૂકી છે, એમ પણ જણાવાયું હતું. બેઠકમાં મુખ્ય સચિવે વહીવટી તંત્રના તમામ સંબંધિત વિભાગોને સંભવિત આપત્તિને પહોંચી વળવા ઝડપથી આયોજન કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં લશ્કરની ત્રણ પાંખોના, રેલવે-ટેલિફોન- એસ.ટી.ના તેમજ પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ સામેલ થયા હતા.