રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 20 ઑગસ્ટ 2021 (13:13 IST)

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 129 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ પારડીમાં 5.5 ઇંચ ખાબક્યો

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાઓ વચ્ચે વલસાડ જિલ્લામાં ગુરૂવારે મોનસૂનની ધમાકેદાર એન્ટ્રી થઇ. દિવસ દરમિયાન વરસાદનો દૌર ચાલતો રહ્યો તેનાથી ના ફક્ત જનજીવન પ્રભાવિત થયું છે પરંતુ વરસાદના લીધે ખેડૂતોને પણ રાહત મળી છે. જિલ્લામાં બુધવારે મોડી રાતથી જ વરસાદનો દૌર શરૂ થયો છે. જે ગુરૂવાર મોડી રાત સુધી યથાવત રહ્યો હતો. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લામાં સવારે 6 વાગ્યાથી સાંજે સૌથી વધુ વરસાદ વલસાડ અને પારડી તાલુકામાં 5-5 ઇંચ નોંધાયો છે. તો બીજી તરફ ધરમપુર અને વાપી તાલુકામાં 4-4 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ઉમરગામ અને કપરાડા તાલુકામાં અઢી-અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. લાંબા સમયના વિરામ બાદ વરસાદ વરસતાં ખેડૂતોની પાણી ચિંતાની દૂર થતી જોવા મળી રહી છે. 
 
રાજકોટના ગોંડલ પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ તૂટી પડ્યો છે. ગોંડલના દેરડી, સુલતાનપુર, કમઢીયા, સાજડિયાળી, ખીલોરી, મેતા ખંભાળિયા કેસવાળા સહિતના ગામોમાં ભારે વરસાદથી સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવી ગયા છે.
 
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 129 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ વલસાડના પારડી અને વલસાડ તાલુકામાં સાડા પાંચ ઇંચ જેટલો પડ્યો હતો. વલસાડના ધરમપુરમાં પાંચ ઇંચ, અમરેલીના લીલીયા, વલસાડના વાપી અને અમરેલી તાલુકામાં સવા ચારથી સાડા ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. ડાંગના વધઈ અને ભરૂચના હસોલ માં સવા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. 
 
રાજ્યના છ તાલુકામાં ચાર ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે જ્યારે રાજ્યના 12 તાલુકામાં 3 ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે તો આ તરફ રાજ્યના 23 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના 41 તાલુકામાં 1 ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. 
 
હવામાન વિભાગની આગાહી અનુસાર, દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદ આવી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવવાની શક્યતા છે. તો મધ્ય ગુજરાતમાં પણ મધ્યમ વરસાદ પડી શકે છે. આજે ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આજે દમણ, દાદરાનગર હવેલીમાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.