સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી માવઠું, એક વ્યક્તિ સહિત છ પશુઓના મોત
મધ્ય રાજસ્થાન અને અન્ય વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગઈકાલે કમોસવી વરસાદ થતાં એક વ્યક્તિ સહિત છ પશુઓના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને અમરેલી, રાજુલા, સાવરકુંડલા તથા બીજી બાજુ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. થરાદ પંથકમાં યુવાન પર વીજળી પડતાં મોત નીપજ્યું હતું. આ સાથે 6 પશુઓના મોત નીપજ્યા હતાં. તેમજ શુક્રવારે સાંજે મહેસાણા અને સાબરકાંઠામાં ભારે વાવાઝોડા સાથે ખાબકેલા વરસાદમાં મહેસાણાની એક યુવતિ પર મંડપનો ગેટ પડ્યો હતો અને શામળાજીમાં દિવાલ તુટતાં યુવાન દટાયો હતો.
ગુરૂવારે રાત્રે બનાસકાંઠા જિલ્લાના વાવ, થરાદ, લાખણી અને ધાનેરા વિસ્તારમાં ભારે વાવાઝોડા અને ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો હતો. થરાદના ચાંગડા ગામના ખેડૂત દાનાભાઇ ભારે ગાજવીજને જોઇ ખેતરમાં બાંધેલી બે ભેંસોને લેવા જતાં હતા ત્યારે તેમની પર વીજળી પડતાં બંને ભેંસ સાથે તેમનું પણ મોત નિપજ્યું હતું. નેનાવા ગામના સુમેરસિંહ દેવડાની ત્રણ ગાયો પર વિજળી પડતાં મોત નિપજ્યું હતું. તેમજ સરાલવીડ ગામના મફાભાઇ પટેલની ગાય પર ઝાડ પડતાં ગાયનું મોત નિપજ્યું હતું.
શુક્રવારે સાંજે મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં ભારે 40 થી 45 કિલોમીટરની ઝડપે વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. જેમાં મહેસાણામાં 25 મિનિટની અંતરે બે વખત ફૂંકાયેલા વાવાઝોડા અને વરસાદના કારણે સોમનાથ રોડ પર એક્ટીવા લઇને જઇ રહેલી સોનલબેન રાણા પર મંડપનો ગેટ પડતાં ઇજાગ્રસ્ત થઇ હતી. બીજી બાજુ શામળાજીના સર્વોદય આશ્રમ નજીકની દિવાલ ધારાશાહી થતાં ધવલ પટેલ નામનો યુવાન ઇજાગ્રસ્ત થયો હતો. વિસનગર અને વિજાપુર તાલુકામાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો.
અમરેલી જિલ્લામા આજે ભરઉનાળે અચાનક જ જાણે મીની વાવાઝોડુ ફુંકાતુ હોય તેમ ભારે પવન અને કરા સાથે રાજુલા, સાવરકુંડલા અને ખાંભા પંથકમા કમોસમી વરસાદ પડયો હતો. ભારે પવનના કારણે દેવપરામા 30 મકાનોના છાપરા નળીયા ઉડી ગયા હતા. 50 જેટલા વિજપોલ ધરાશાયી થતા તાલુકાભરમા વિજ પુરવઠો ખોરવાયો હતો. અનેક વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. વરસાદથી ગરમીમા થોડી રાહત મળી હતી પરંતુ નુકશાન ઘણુ થયુ હતું.
ઉપરાંત પીપાવાવ પંથકમા 10 અને વાવેરા પંથકમા 20 મળી 50થી વધુ વિજપોલ તુટી પડયાનુ વિજ કંપનીના નાયબ ઇજનેર ચૌહાણે જણાવ્યું હતુ. જેના કારણે મોટાભાગના વિસ્તારમા વિજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. અહી તાબડતોબ ફોલ્ટ નિવારણ ટુકડીઓ રવાના કરાઇ છે. બીજી તરફ ખાંભા પંથકમા પણ અચાનક જ ચડી આવેલા કાળા ડિબાંગ વાદળો વરસી પડયા હતા. ખાંભામા માવઠુ થવા ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમા પણ કમોસમી વરસાદ થયો હતો. જો કે આ વરસાદથી લોકોએ ગરમીમા રાહત અનુભવી હતી.