રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 22 ઑગસ્ટ 2018 (13:01 IST)

ગુજરાતમાં 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

સમગ્ર રાજ્યમાં ચાર દિવસ મધ્યમથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ઓડિશામાં સર્જાયેલું લો-પ્રેશર અને અપરએર સાઈક્લોનિક આગળ વધીને મધ્યપ્રદેશનાં મધ્ય વિસ્તાર સુધી પહોંચ્યું અને આગળ વધીને ગુજરાત સુધી પહોંચવાની પ્રબળ શક્યતા છે. જેને કારણે આગામી 24 કલાકમાં રાજ્યભરમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. મંગળવારે પણ રાજ્યભરમાં વરસાદી માહોલ જામેલો રહ્યો હતો. અનેક સ્થળે 1થી 10 ઇંચ વરસાદ નોંધાયો છે. ગુજરાતનાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનાં મધ્યપ્રદેશ નજીકનાં વિસ્તારોમાં ભારે વરસાદ જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદી છાંટાથી હળ‌વા વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.હવામાન વિભાગનાં આંકડાઓ મુજબ, અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ સર્જાયો હતો, પણ બપોરનાં 12.00 વાગ્યા બાદ શહેરનાં વિવિધ વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થયો હતો. જેને પગલે અમદાવાદમાં દિવસ દરમિયાન 4.52 મીમી પાણી વરસ્યું હતું. જ્યારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 4.0 ડિગ્રી ગગડીને 28.2 ડિગ્રી અને લઘુતમ તાપમાન 24.8 ડિગ્રી નોંધાયું હતું. આગામી 24 કલાક દરમિયાન અમદાવાદમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.લો-પ્રેશરની અસરોથી અમદાવાદ સહિત રાજ્યનાં અમદાવાદ, ઇડર, ગાંધીનગર, વલ્લભ વિદ્યાનગર, વડોદરા, સુરત, વલસાડ, અમરેલી, ભાવનગર, પોરબંદર, રાજકોટ અને દીવ સહિત મોટાભાગનાં વિસ્તારોમાં વરસાદી ઝાપટાંથી લઇ ઝરમર વરસાદ પડ્યો હતો. આગામી 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મધ્યમથી ભારે તેમજ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.