છેલ્લા 24 કલાકમાં 22 જિલ્લામાં મેઘમહેર, જુલાઈના બીજા સપ્તાહ સુધી વરસાદની શક્યતાઓ નહિવત
રાજ્યમાં છેલ્લા ત્રણેક દિવસથી વરસાદે વિરામ લીધો છે. વરસાદ નહીં થવાથી અમદાવાદ સહિત ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં બફારાથી લોકો પરેશાન થઈ ગયાં છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદ થવાની શક્યતાઓ નહિવત છે. તે ઉપરાંત અમદાવાદમાં પણ વરસાદે છેલ્લા એક સપ્તાહથી વિરામ લેતાં ગરમીમાં વધારો થયો છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વરસાદ લાવનારી સિસ્ટમ કાર્યરત નહીં હોવાથી જુલાઈના બીજા સપ્તાહ સુધી વરસાદની શક્યતાઓ નહિવત છે.
આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી
રાજ્યમાં આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે. આજે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ભારે વરસાદ આગાહી કરવામાં આવી છે. જ્યારે અન્ય વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી વરસાદ નહીં પડે તેવી આગાહી કરવામાં આવી છે. તેમજ પવનની ગતિ તેજ રહેવાની સંભાવનાને કારણે માછીમારોને ચાર દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
રાજ્યમાં સતત બીજા વર્ષે સારા ચોમાસાનો અંદાજ
રાજ્યમાં સતત બીજા વર્ષે ચોમાસું સારું જવાના અણસાર હોય એમ એની શરૂઆતમાં જ સારો વરસાદ પડી રહ્યો છે. બુધવાર સવારની સ્થિતિએ રાજ્યમાં અત્યાર સુધીનો સરેરાશ 120.38 મિ.મી. એટલે કે ચાર ઈંચ જેટલો વરસાદ પડ્યો છે, જે સરેરાશ 14.33 ટકા જેટલો થવા જાય છે. કચ્છ ઝોનમાં 12.62 ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં સરેરાશ 12.34 ટકા, મધ્યપૂર્વ ઝોનમાં 11.96 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 10.08 ટકા, જ્યારે દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ 14.37 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
જૂનાગઢ શહેરમાં 1.5 ઈંચ વરસાદ થયો
જૂનાગઢ શહેરમાં મેઘરાજાએ મધુરમ, ટીંબાવાડીમાં ધુંઆધાર બેટીંગ કરી 1.5 ઇંચ વરસાદ વરસાવતા ચારો તરફ પાણી પાણી થઇ ગયું હતું. જોકે, શહેરના અન્ય વિસ્તારોમાં ક્યાંક માત્ર ઝાપટા સ્વરૂપે હાજરી પુરાવી હતી તો અનેક વિસ્તારોમાં વરસાદ ન પડતા ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી હતી.થોડો સમય લોકોએ ભારે બફારાનો સામનો કર્યો હતો. બાદ મેઘરાજા જાણે મનમૂકીને વરસી રહ્યા હોય તેમ 1.5 ઇંચ વરસાદ પડતા આ વિસ્તારો પાણી પાણી થઇ ગયા હતા.
ભરૂચ અને અંક્લેશ્વરમાં 1-1 ઇંચ વરસાદ
ભરૂચ જિલ્લામાં આગામી સપ્તાહમાં સામાન્ય વરસાદ નોંધાય તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મંગળવારે જિલ્લામાં એક પણ તાલુકામાં દિવસ દરમિયાન વરસાદ નોંધાયો ન હતો. જોકે, રાત્રીના સમયે જિલ્લામાં ભરૂચ અને અંક્લેશ્વરમાં 1-1 ઇંચ વરસાદ વરસ્યો હતો.રાત્રીના સમયે જિલ્લાના 8 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જેમાં ભરૂચ અને અંક્લેશ્વરમાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો હતો.