Cyclone Biporjoy- બિપરજોય વાવાઝોડાની અસરથી ગુજરાતના 115 તાલુકાઓમાં વરસાદ, અમદાવાદમાં વાતાવરણમાં પલટો
વાવાઝોડાને લઈ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ સહિત ગાંધીનગર, મહેસાણામાં છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં વડોદરા, સાબરકાંઠા, અરવલ્લી અને ખેડામાં પણ ભારે વરસાદની શક્યાતાઓ છે. આ ઉપરાંત પંચમહાલ,દાહોદ, છોટાઉદેપુરમાં પણ વરસાદ વરસવાની સંભાવના છે.બિપરજોય વાવાઝોડું આજે સાંજે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે. જેની અસર ગુજરાતભરમાં જોવા મળી રહી છે. આજે સવારથી જ અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે. તેમજ વરસાદી ઝાપટા પણ શરૂ થયા છે. શહેરના બોપલ, એસજી હાઇવે, નવા વાડજ સહિતના વિસ્તારોમાં સવારથી વરસાદી ઝાપટા વરસી રહ્યા છે. બીજી તરફ કચ્છના માંડવીમાં તોફાની પવન સાથે સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે. આથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 115 તાલુકામાં દોઢ ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. ખાસ કરીને આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. જામનગરના દરિયાકિનારે ભારે પવનની સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. દરિયાકિનારે ડરામણા દૃશ્યો જોવા મળી રહ્યા છે.પોરબંદરમાં આજે વહેલી સવારથી ભારે પવન સાથે ધીમીધારે વરસાદ શરૂ થયો છે. આથી રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે. તેમજ પવનની ગતિ વધુ હોવાથી રસ્તા પર પસાર થતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ ભુજમાં પણ સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આથી રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા છે.24 કલાકના વરસાદની વાત કરીએ તો અંજારમાં 30 મીમી, ભુજમાં 33 મીમી, માંડવીમાં 15 મીમી, મુંદ્રામાં 15 મીમી, નખત્રાણામાં 13 મીમી, રાપરમાં 16 મીમી, અબડાસામાં 11 મીમી, દાંતામાં 10 મીમી, ભચાઉમાં 9 મીમી સુધીનો વરસાદ નોંધાયો છે. આ સિવાય રાજકોટમાં પણ આજે સવારથી ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડું જ્યાં ટકરાવાનું છે ત્યાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. આથી અહીં ડરામણા દૃશ્યો જોવા મળી રહ્યા છે.ગુજરાતમાં જખૌ બંદર પાસે આ વાવાઝોડું ટકરાવાનું છે. 16 અને 17 જૂનના રોજ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દરિયાઈ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. વરસાદ અને પવનની ગતિમાં વધારો થશે. અમદાવાદ શહેરમાં 15 અને 16 જૂનના રોજ પવન સાથે ભારે વરસાદની આગાહી છે.