રાહુલ ગાંધી દુર્ઘટનાના પીડિત પરિવારોને મળશે, કોંગ્રેસ કાર્યાલયમાં પ્રવેશ માટે પડાપડી
આજે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓ કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારાની ઘટનામાં પોલીસ કસ્ટડીમાં રહેલા કાર્યકરોને મળવાના હતાં. પરંતુ આજે તેમના રિમાન્ડ પૂ્ર્ણ થતા હોવાથી પોલીસે તેમને વહેલા કોર્ટમાં રજૂ કરી દઈને જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખ્યા છે. જેથી હવે રાહુલ ગાંધી તેમને મળી શકશે કે નહીં તે એક સવાલ છે. બીજી તરફ ગુજરાતમાં થયેલી દુર્ઘટનાઓના પીડિત પરિવારો પણ કોંગ્રેસ કાર્યા
લય પહોંચ્યા છે. રાહુલ ગાંધી તેમની સાથે પણ મુલાકાત કરવાના છે.
કોંગ્રેસ કાર્યાલય બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો
અમદાવાદના પાલડી ખાતે આવેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. RAF અને પોલીસની ટીમ કાર્યાલયની બહાર ગોઠવી દેવામાં આવી છે. કોંગ્રેસ કાર્યાલયમાં લિસ્ટમાં લખેલા નામ હોય તેમને જ પ્રવેશ આપવામાં આવે છે. કોંગ્રેસ કાર્યાલયમાં અંદર ના જવા દેતા કાર્યકરો રોષે ભરાયાં હતા. મીડિયાને ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા પાર્કિંગની જગ્યામાં કાર્યકરોને સંબોધન કરશે ત્યાં જ પ્રવેશ આપવામાં આવશે.
VHP કાર્યાલયે ધીમે ધીમે કાર્યકરો ભેગા થઈ રહ્યા છે
અમદાવાદમાં વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલયથી આશ્રમ રોડ તરફ જતા દરેક રસ્તા ઉપર પોલીસ ગોઠવી દેવામાં આવી છે. કાર્યકરોને બહાર નહીં જવા દેવાની યોજના છે. VHP કાર્યાલયે ધીમે ધીમે કાર્યકરો ભેગા થઈ રહ્યા છે. જો કે, આગેવાનોનું કહેવું કે, કોંગ્રેસ કાર્યાલય નહીં જવાય પણ પૂતળાં બાળીને વિરોધ કરાશે. પોલીસ પણ અટક કરવા તૈયાર છે.રાહુલ ગાંધીની મુલાકાતને લઈને હિન્દુ સમાજને સમાંતર વિરોધ કરવાની અપીલ કરવામાં આવી હોવાના મેસેજ પણ વાઇરલ થયા છે. મેસેજમાં 11 વાગ્યે વિશ્વહિન્દુ પરિષદના મુખ્યાલયે મોટી સંખ્યામાં લોકોએ વિરોધ કરવા પહોંચવા અપીલ કરાઈ છે.