200થી વધુ કાઠિયાવાડી ટ્રાવેલ્સ એેજન્ટોનો અનોખો વિરોધ, કાશ્મીરની ટુરનો બહિષ્કાર
પુલવામામાં થયેલા ત્રાસવાદી હુમલાનો વિરોધ કરવા સૌરાષ્ટ્રના 200થી વધુ ટ્રાવેલ એજન્ટોએ કાશ્મીર ટુરનો બહિષ્કાર કર્યો છે. આ ઉપરાંત કોઈ ઓફરમાં કાશ્મીરની ટિકિટ ફ્રી હોય તો તેને પણ નહીં સ્વીકારવાનો નિર્ણય ટ્રાવેલ્સ, રેલવેના એજન્ટોએકર્યો છે. કાશ્મીરના ટુર એજન્ટોને જેવી જાણ થઈ કે, સૌરાષ્ટ્રના ટુર એજન્ટોએ આ પ્રકારનો નિર્ણય લીધો છે તેણે તરત જ સ્થાનિક એજન્ટોનો ફોન કરીને સંપર્ક સાધીને આજીજી કરી કે આવું ના કરો, અમારા પર વિશ્વાસ રાખો અમે ખાતરી આપીએ છીએ કે, સૌરાષ્ટ્રના સ્થાનિકોને પૂરતું રક્ષણ મળશે. તેને કશું જ નહીં થાય. પરંતુ સ્થાનિક એજન્ટોએ વાત કરવાની પણ ઘસીને ના પાડી દીધી. કહ્યું કે અમારે તમારી સાથે બિઝનેસ તો ઠીક વાત પણ નથી કરવી. સૌરાષ્ટ્રથી જ કાશ્મીરને દર વર્ષે 300 કરોડનો બિઝનેસ મળે છે. પુલવામામાં થયેલા હુમલા બાદ તો સૌરાષ્ટ્રના ટ્રાવેલ એજન્ટોએ તેનો સખત વિરોધ નોંધાવ્યો છે. તાત્કાલિક એક બેઠક બોલાવી જેમાં તમામ ટ્રાવેલ એજન્ટ એસોસિએશનના સભ્યો હાજર રહ્યા હતા. આ બેઠકમાં એવો નિર્ણય કરવામાં આવ્યો કે હવે પાંચ વર્ષ સુધી એક પણ એજન્ટોએ કાશ્મીરની ટુર પેકજ બૂક કરવું નહિ. આ નિર્ણયને આવકારીને સૌરાષ્ટ્રના 170 ટ્રાવેલ્સ એજન્ટ અને રેલવે એજન્ટના 70 સભ્યોએ પોતાનો પૂરેપૂરો ટેકો જાહેર કર્યો.