સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગાંધીનગર: , બુધવાર, 1 એપ્રિલ 2020 (10:51 IST)

મુખ્યમંત્રીએ લીધો મહત્વનો નિર્ણય: રાજ્યમાં સવા ત્રણ કરોડ લોકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરાશે

કોરોના વાયરસ કોવિડ-૧૯ની પ્રવર્તમાન સ્થિતીમાં જાહેર થયેલા રાષ્ટ્રવ્યાપી લોકડાઉનને પગલે ગરીબો, અંત્યોદય પરિવારો, નિરાધારોને ભૂખ્યા ન સુવું પડે તે માટે વિનામૂલ્યે અનાજ વિતરણ વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે. આ સંદર્ભમાં રાજ્યના અંત્યોદય અને P.H.H રેશન કાર્ડ ધરાવતા ૬૬ લાખ પરિવારોના ૩.રપ કરોડ લોકોને આવતીકાલ, ૧ એપ્રિલ-ર૦ર૦થી ૧૭૦૦૦ જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી ઘઉં, ચોખા, ખાંડ, મીઠું અને દાળનું એપ્રિલ માસ પૂરતું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.
 
અશ્વિનીકુમારે આ અંગેની વિગતો આપતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, આ અનાજ વિતરણ વ્યવસ્થામાં પણ સોશિયલ ડિસ્ટન્સનો અભિગમ નાગરિકોની આરોગ્ય સલામતિ હેતુસર જાળવવાની તાકીદ સસ્તા અનાજના દુકાનધારકોને અને તંત્રવાહકોને મુખ્યમંત્રીએ કરી છે. તેમણે કહ્યું કે, આ અનાજ વિતરણ સુચારૂં અને સરળતાથી થઇ શકે તેમજ ભીડભાડ ન થાય તે માટે મુખ્યમંત્રીશ્રીએ ગ્રામીણ વિસ્તારોમાં ૪ લોકોની અને શહેરી ક્ષેત્રોમાં ૩ લોકોની કમિટી બનાવવા સૂચન કર્યુ છે.
 
તદ્દઅનુસાર, ગ્રામીણ ક્ષેત્રોમાં શિક્ષક, તલાટી અથવા ગ્રામસેવક, ગૃહ રક્ષકદળ કે પોલીસ તેમજ સ્થાનિક અગ્રણીની આ કમિટી બનશે. શહેરી વિસ્તારોમાં શિક્ષક, સેવા સંગઠનના પ્રતિનિધિ અને પોલીસની કમિટી બનાવવામાં આવશે. રાજ્યના દરેક સરકાર માન્ય સસ્તા અનાજ દુકાનદારો પાસે લાભાર્થી ગ્રાહકોના મોબાઇલ નંબરોના ડેટાબેઇઝ ઉપલબ્ધ છે તેનો ઉપયોગ કરી રપ-રપ લાભાર્થીને ફોનથી જાણ કરી આગોતરો સમય આપીને જ અનાજ લેવા માટે બોલાવવામાં આવે.
 
કોરોના વાયરસ કોવિડ-૧૯નું સંક્રમણ ભીડભાડ અને એકબીજાના સંપર્કથી વધુ પ્રસરે છે તે અટકાવવાના હેતુસર વિજય રૂપાણીએ આ વ્યવસ્થાનું ચુસ્ત પાલન થાય તેની પણ તેકદારી રાખવા સુચનાઓ આપી છે. ગુજરાતમાં રોજીરોટી માટે આવીને વસેલા અન્ય રાજ્યોના શ્રમિકો, ગરીબ-અંત્યોદય પરિવારો-લોકોને પણ લોકડાઉનની પ્રવર્તમાન સ્થિતીમાં અનાજ વગર ન રહેવું પડે તે માટે વધુ એક ઉદાત્ત ભાવ દર્શાવ્યો છે. 
 
આગામી તા. ૪ એપ્રિલથી આવા પરિવારોને અન્નબ્રહ્મ યોજના અન્વયે સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી અનાજ અપાશે. આવા વ્યકિત-પરિવારોની યાદી સંબંધિત જિલ્લાના કલેકટર તંત્રએ તૈયાર કરી છે. રાજ્યમાં આ લોકડાઉનની સ્થિતીમાં નાગરિકો-પ્રજાજનોને ઘરમાં રહેલા અનાજને દળાવવાની, લોટની સગવડ મળી રહે તે માટે મુખ્યમંત્રીએ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં આવેલી અનાજ દળવાની ઘંટી-ફલોર મિલ્સ ચાલુ રાખવા પણ તંત્રવાહકોને સૂચનાઓ આપી છે. 
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં રોજગારી-રોજીરોટી માટે આવેલા શ્રમિકો-કારીગરો સહિત રાજ્યના અંતરિયાળ ગામોના વતની શ્રમજીવીઓ પ્રવર્તમાન સ્થિતીમાં પોતાના વતન-ગામ પાછા ન જાય તે માટે તેમને આશ્રય અને ભોજન વગેરે વ્યવસ્થા માટે રાજ્યમાં વિવિધ સ્થળોએ ૪૦ કરોડ રૂપિયાના ખર્ચે  આશ્રય-રાહત શિબિર શેડ બનાવવા SDRFમાંથી ખાસ ફાળવણી કરી છે.
 
મુખ્યમંત્રીના સચિવે આ સંદર્ભમાં કહ્યું કે, આવા શેડ બનાવવા માટે અમદાવાદને રૂ. ૩ કરોડ, સુરતને રૂ. ર.પ૦ કરોડ, વડોદરા, રાજકોટ અને ગાંધીનગર પ્રત્યેકને રૂ. ર-ર કરોડ તેમજ અન્ય જિલ્લાઓને ૧ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. રાજ્યમાં લોકડાઉનની હાલની સ્થિતીમાં દૂધ, શાકભાજી સહિતના આવશ્યક પુરવઠાની પર્યાપ્ત ઉપલબ્ધિ પ્રજાજનો માટે થઇ રહી છે.
 
લોકડાઉનના સાતમા દિવસે-મંગળવારે સવારે રાજ્યમાં ૪પ.૭૪ લાખ લીટર દૂધનું વિતરણ થયું છે. ૧ લાખ ૧૮ હજાર પર૦ કવીન્ટલ શાકભાજી અને ૧૭૭૦૭ કવીન્ટલ ફળફળાદિ રાજ્યની માર્કેટમાં આવ્યા છે. તેમાં બટેટા ૩૦૬૭૪ કવીન્ટલ, ડુંગળી ૩ર૮૦૪ કવીન્ટલ, ટમેટા ૮૭૯ર કવીન્ટલ અને અન્ય લીલા શાકભાજી ૪૬ર૪૯ કવીન્ટલ છે. ફળફળાદિમાં જોઇએ તો સફરજન પ૪૩ કવીન્ટલ, કેળાં ૭૭૭ કવીન્ટલ અને અન્ય ફળો ૧૬૩૮૬ કવીન્ટલ ઉપલબ્ધ છે.
 
રાજ્યમાં હાલની લોકડાઉનની સ્થિતીમાં નિરાધાર, વૃદ્ધ, નિ:સહાય અને એકલવાયું જીવન જીવતા લોકોને ખાવા-પીવાની સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકારે સ્વૈચ્છિક સેવા સંગઠનોના સહયોગથી વિનામૂલ્યે ભોજન-ફૂડપેકેટસનું વિતરણ શરૂ કર્યુ છે. આવાં કુલ ૧ર લાખ પ૯ હજાર ફૂડપેકેટસ અત્યાર સુધીમાં વિતરીત થયા છે. 
 
આ હેલ્પલાઇન પર અત્યાર સુધીમાં કુલ ૯૦૦૪ જેટલા કોલ્સ વિવિધ સહાયતા માટેના મળ્યા છે તેમાં ૧૦૭૦ને ૧પ૬૧ તેમજ જિલ્લા હેલ્પલાઇન ૧૦૭૭ને ૭૪૪૩ કોલ્સ મળેલા છે. તેમણે ઉમેર્યુ કે, રાજ્યમાં નાગરિકોને મુશ્કેલીમાં સહાયરૂપ થવા સ્ટેટ કંટ્રોલરૂમની હેલ્પલાઇન ૧૦૭૦ અને જિલ્લાકક્ષાએ ૧૦૭૭ કાર્યરત કરવામાં આવી છે. મુખ્યમંત્રીના દિશાનિર્દેશ અને માર્ગદર્શનમાં રાજ્ય સરકારનું વહિવટીતંત્ર લોકડાઉનની પ્રવર્તમાન સ્થિતીમાં નાગરિકો-પ્રજાજનોને કોઇ અગવડતા ન પડે, સરળતાએ આવશ્યક વસ્તુઓ, સેવાઓ મળી રહે તે માટે સતત કાર્યરત છે.