સુરતમાં પઠાણ ફિલ્મનો વિરોધ, હિંદુ સંગઠનોએ થિયેટરમાં જઈને પોસ્ટરો ફાડ્યા
શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ રીલિઝ થાય તે પહેલાં જ વિવાદોમાં ફસાઈ ગઈ છે. આ ફિલ્મના એક ગીતને લઈને સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે સુરતમાં આજે હિંદુ સંગઠનો દ્વારા આ ફિલ્મની રીલિઝને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેરના કામરેજ વિસ્તારમાં સિનેમાઘરમાં લાગેલા ફિલ્મના પોસ્ટરને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો.
કામરેજ ખાતે હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ સિનેમાઘરોમાં પ્રવેશીને પઠાણ મૂવીના પોસ્ટરો ફાડ્યા હતાં. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સ્થાનિક મામલતદારને આવેદનપત્ર આપીને પઠાણ ફિલ્મને લઈને રોષ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ થિયેટરના માલિકને પણ આ બાબતે જાણ કરાઈ હતી. સિનેમાઘરોમાં ભગવાન રંગના બિકીની વાળો દિપિકા પાદુકોણ અને શાહરુખ ખાનના પઠાણ મૂવીના પોસ્ટરો લગાડતાં જ આ બાબત હિન્દુ સંગઠનોના ધ્યાન પર આવતા તેમણે તેનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.તેઓએ કહ્યું હતું કે હિન્દુ સંગઠનોને શાહરુખ ખાન સાથે મતભેદ હોવાને કારણે તેઓ આવું કરી રહ્યા છે. ત્યારે આ અંગે તેમણે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, શાહરુખ ખાન સાથે અમને કોઈ જ તકલીફ નથી. પરંતુ ફિલ્મમાં જે પ્રકારે ભગવા રંગની બીકની પહેરીને તેને બેશરમ રંગ બતાવવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે. તેને કારણે હિન્દુઓની લાગણી દુભાઈ છે અને આને બાબતે અમે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને પણ વિનંતી કરીએ છીએ કે, આ ફિલ્મને પ્રતિબંધિત કરવામાં આવે.શાહરૂખ ખાનની પઠાણ ફિલ્મને લઈને રાજભા ગઢવીએ વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું છે કે સનાતન પરંપરાને ખરાબ દેખાડવાની કોશિષો થતી આવે છે. તેમણે કહ્યું કે, શાહરૂખની પઠાણ ફિલ્મની અભિનેત્રીએ એવા કપડાં પહેર્યાં છે જેનાથી આપણી પરંપરાને ખરાબ દેખાડવામાં આવી છે. આપણી ભાવનાઓ સાથે ખરાબ કરવું એવું બોલિવૂડ વાળાઓએ નક્કી કરી લીધું છે. આ ગીત કે આ ફિલ્મને ગુજરાતમાં રીલિઝ ના થવા દેવી જોઈએ. હવે આ બિલકુલ સહન કરવાનું નથી. હાથે કરીને શાંતિ ડહોળવાના ધંધા ના કરો. આ ફિલ્મને આખા દેશમાં રીલિઝ નથી થવા દેવાની. મારે વધારે કંઈ કહેવું નથી.