શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 28 ડિસેમ્બર 2022 (16:25 IST)

વડાપ્રધાન મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા, તમામ મંત્રીઓને હોસ્પિટલ નહીં જવા સૂચના

વડાપ્રધાન મોદીની માતા હીરાબાની તબિયત નાદુરસ્ત થતાં તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. હાલમાં તેમની તબિયત સુધારા પર હોવાનું હોસ્પિટલ દ્વારા મેડિકલ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. વડાપ્રધાન માતાની ખબર પુછવા માટે અમદાવાદ આવવાના હોવાથી પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. અમદાવાદ શહેરમાં નો ડ઼્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે વડાપ્રધાન દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ આવી  પહોંચ્યાં છે. બીજી બાજુ રાજ્યના તમામ મંત્રીઓને હીરાબાના ખબર અંતર પુછવા હોસ્પિટલ નહીં જવા સૂચના આપી દેવામાં આવી છે. આજે સરકારની કેબિનેટની પ્રેસ કોન્ફરન્સ પણ રદ કરી દેવામાં આવી છે. 
 
તમામ મંત્રીઓને હોસ્પિટલમાં નહીં જવા સૂચના
હોસ્પિટલમાં ધારાસભ્યો, અધિકારીઓ અને મંત્રીઓ પહોંચતા જ તમામ મંત્રીઓને હોસ્પિટલમાં હીરાબાની ખબર અંતર પુછવા માટે હોસ્પિટલમાં નહીં જવા માટે સૂચના આપી દેવામાં આવી છે. ઋષિકેષ પટેલ આરોગ્યમંત્રી હોવાથી તેઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યાં છે. પરંતુ મંત્રીઓ અને ધારાસભ્યો સહિત અધિકારીઓની સંખ્યા વધી જતાં તેમને હોસ્પિટલમાં નહીં જવા સૂચના આપી દેવામાં આવી છે. હીરાબાના તમામ રીપોર્ટ નોર્મલ આવ્યાં છે. તેમની તબિયત સુધારા પર છે. 
 
ઝોન-4ના પોલીસ સ્ટેશનનો સ્ટાફ બંદોબસ્તમાં ગોઠવાઈ ગયો 
અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાનના આગમનને લઈને તૈયારીઓ કરી દેવાઈ છે. ગુજસેલ ટર્મિનલ ખાતે વડાપ્રધાનની ગાડીઓનો કાફલો પહોંચી ગયો છે. સરદાર નગર પોલીસ સ્ટેશન, શાહિબાગ પોલીસ સ્ટેશન સહિત ઝોન-4ના પોલીસ સ્ટેશનનો સ્ટાફ બંદોબસ્તમાં ગોઠવાઈ ગયો છે. ગુજસેલ ટર્મિનલ ખાતે VVIP બંદોબસ્ત કરવામાં આવ્યો છે. એરપોર્ટથી યુ એન મહેતા હોસ્પિટલ સુધી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પહેલા વડાપ્રધાન 2.30 વાગ્ચા આસપાસ આવવાના હતાં પરંતુ હવે તેમના સમયમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. એરપોર્ટથી વડાપ્રધાન સીધા જ યુએન મહેતા હોસ્પિટલ પહોંચશે. 
 
અમદાવાદમાં નો ડ્રોન ફ્લાય ઝોનનું જાહેરનામું
બીજી તરફ વડાપ્રધાન મોદી અમદાવાદ આવી રહ્યા હોવાથી પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. સૂત્રો મુજબ એવું પણ જણાવાઈ રહ્યું છે કે બપોરે 2 વાગ્યાની આસપાસ વડાપ્રધાન મોદી અમદાવાદ માતાની ખબર જાણવા આવી રહ્યાં છે. અમદાવાદમાં પોલીસ દ્વારા વડાપ્રધાનના આગમનને લઈને નો ડ્રોન ફ્લાય ઝોનનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.