રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 17 નવેમ્બર 2023 (21:04 IST)

અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઈનલ જોવા વડાપ્રધાન મોદી અને ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ આવશે

CMO GUJARAT
CMO GUJARAT
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આગામી રવિવાર ૧૯ નવેમ્બરે યોજાનાર વર્લ્ડ કપ ક્રિકેટ ફાઇનલ મેચ દરમિયાન સુરક્ષા-સ્વચ્છતા-ટ્રાફિક મેનેજમેન્ટ વગેરેની સર્વગ્રાહી સમીક્ષા ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને હાથ ધરી હતી.આ ફાઇનલ મેચ નિહાળવા માટે વડાપ્રધાન મોદી અને ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર પણ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ આવવાના છે તે સંદર્ભમાં સુરક્ષા પ્રબંધની વિસ્તૃત જાણકારી મુખ્યમંત્રીએ મેળવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ કરીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા આવનારા પ્રેક્ષકો, મહાનુભાવોને અવર-જવરમાં કોઈ વિઘ્ન ન નડે તે માટે ટ્રાફિક મેનેજમેન્ટ, જરૂર જણાયે રૂટ ડાઇવર્ઝન જેવી બાબતોનું માર્ગદર્શન આપ્યું હતું. મેચ જોવા આવનારા નાગરિકોને યાતાયાત સુવિધા માટે BRTS, મેટ્રો રેલ, AMTS સાથે સંકલન કેળવી વધારે ટ્રીપ અને વધુ સમય સેવાઓ ચાલુ રાખવાની જે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે તેની પણ વિગતો મુખ્યમંત્રીને આપવામાં આવી હતી.

મુખ્યમંત્રીએ અમદાવાદમાં નરેન્‍દ્ર મોદી સ્ટેડિયમ, બ્રિજ, મુખ્ય માર્ગો સહિત સમગ્ર શહેરમાં ધાર્મિક સ્થળો, પ્રવાસન સ્થળો વગેરેની સ્વચ્છતા જળવાઈ રહે અને સાફ-સફાઈ પર પૂરતું ધ્યાન મહાનગરપાલિકા તંત્ર આપે તેવી ખાસ તાકીદ કરી હતી.મેચ શરૂ થતાં પહેલા અને વચ્ચેના બ્રેક સમય દરમિયાનના આકર્ષણોમાં એરફોર્સની સૂર્ય કિરણ ટીમના એર શો, લોકગાયક આદિત્ય ગઢવી અને સુપ્રસિદ્ધ સંગીતકાર પ્રિતમના પરફોર્મન્સનું આયોજન થયું છે તે અંગે પણ આ બેઠકમાં ચર્ચા-વિમર્શ થયો હતો.

પોલીસ વડા વિકાસ સહાય અને અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલ્લિકે બંને ક્રિકેટ ટીમને સ્ટેડિયમ સુધી પહોંચાડવા સુરક્ષા વ્યવસ્થા સહિત ૪,૫૦૦થી વધુ સુરક્ષા કર્મીઓ બંદોબસ્તમાં તૈનાત રાખવામાં આવશે તેની ઝીણવટ ભરી વિગતો આપી હતી.કેન્દ્ર સરકારના મંત્રીઓ અને અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત મેચ જોવા આવનારા મહાનુભાવો માટેની સિક્યુરિટી અંગે પણ તેમણે મુખ્યમંત્રીને જાણકારી આપી હતી. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, શહેરી વિકાસ અગ્ર સચિવ અશ્વિનીકુમાર સહિતના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા