રવિવાર, 10 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 10 ફેબ્રુઆરી 2023 (11:04 IST)

મહાશિવરાત્રીના મેળાને લઈ તંત્રની પૂરજોશમાં તૈયારીઓ....ભજન, ભકિત અને ભોજનનો ત્રિવેણી સંગમ

જૂનાગઢના ભવનાથમાં પર્વતાધિરાજ ગિરનારના સાંનિધ્યમાં દર વર્ષે યોજાતો ભક્તિમય મહાશિવરાત્રનો મેળો આ વર્ષે તા.૧૫ ફેબ્રુઆરીથી તા.૧૮ ફેબ્રુઆરી ૨૦૨૩ સુધી યોજાશે. મહાવદ નોમથી ભવનાથ મહાદેવના મંદિરે ધ્વજારોહણ સાથે મેળાનો પ્રારંભ થશે. મહાશિવરાત્રીની રાત્રીએ સાધુ-સંતોની રવેડી અને મૃગીકુંડમાં સ્નાન સાથે મેળો સંપન્ન થશે. મેળામાં ભાવિકોને કોઇ અવગડતા ન પડે તે માટે જિલ્લા વહિવટી તંત્ર, મહાનગરપાલિકા તંત્ર વિવિધ વ્યવસ્થા, સુવિધા, આયોજન અંગે તૈયારી કરી રહ્યું છે. રવેડીના રૂટ પર શિવરાત્રીના દિવસે રોડ ઉપર ૩૫૮૦ મીટરની લોખંડની બેરીકેટ પણ કરવામાં આવશે. 
 
પ્લોટીંગ અને ઉતારા મહાનગરપાલિકા દ્વારા ધંધા-વ્યવસાય માટે કુલ-૮૨ પ્લોટ ફાળવવામાં આવશે. ઉતારા મંડળોને તા.૧૦/૦૨/૨૦૨૩થી વન વિભાગ દ્વારા વન વિસ્તારમાં કુલ-૩૭ ઉતારા મંડળો –અન્નક્ષેત્રો માટે જગ્યા ફાળવાશે. સફાઈ કામગીરી શિવરાત્રના મેળામાં રાઉન્ડ ધી ક્લોક સફાઇની કામગીરી કરવામાં આવશે. આ માટે ૨૨૫ સફાઇ કામદાર, ૧૭ સુપરવાઈઝર, ૨ જનરલ સુપરવાઈઝર અને ૧ લાઈઝીનીંગ અધિકારીને ફરજ સોંપવામાં આવશે. ભવનાથમાં કુલ-૯ સફાઇ રૂટ નિયત કરાયા છે. અન્નક્ષેત્રોમાંથી ૬ ડોર ટૂ ડોર વાહન મારફત ત્રણ દિવસ કચરો એકત્રિત કરાશે. તેમ નાયબ મ્યુ. કમિશનર જયેશ વાજાએ જણાવ્યું હતું. 
 
મેળામાં પાંચ સ્થળે મોબાઈલ ટોઇલેટ મહાશિવરાત્રીના મેળામાં ગંદકી ન થાય તે માટે તંત્ર દ્વારા લોક સહયોગ મેળવી ઝુંબેશ હાથ ધરાશે. જરૂરિયાત મુજબ પાંચ સ્થળે તા.૧૨ ફેબ્રુઆરી સુધીમાં ભારતી આશ્રમ ગ્રાઉન્ડ, મંગલનાથબાપુની જગ્યા પાસે, જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ અને કચ્છી ભવન પાસે મોબાઈલ ટોઇલેટ મુકવામાં આવશે. આ ઉપરાંત સાત જાહેર શૌચાલય રહેશે. રખડતા પશુઓને પકડવાની કામગીરી માટે કર્મચારીઓની ટીમ બનાવવામાં આવશે. મેળામાં ચાર ફાયર ફાઈટર મેળા વિસ્તારમાં રીંગરોડ, જિલ્લા પંચયત ગેસ્ટ હાઉસ, ભવનાથ પોલીસ સ્ટેશન પાસે અને ભવનાથ ઝોનલ કચેરી પર ફાયર ફાઈટર રાઉન્ડ ધ ક્લોક કર્મચારીઓ સાથે રાખવામાં આવશે. 
 
પીવાના પાણીની સુવિધા ભવનાથ ક્ષેત્રમાં મેળા દરમિયાન ૫૦૦૦ લીટરની ક્ષમતાવાળી કુલ ૬૦ પીવાના પાણીની પી.વી.સી. ટાંકીઓ મુકવામાં આવશે. આ ઉપરાંત પાણી વિતરણ વ્યવસ્થા જળવાય રહે તે માટે સુપરવિઝન પણ કરાશે. ભવનાથમાં મોબાઈલ ફ્રિકવન્સી વધારાશે ભવનાથ મેળામાં લાખો ભાવિકો આવતા હોય કોમ્યુનિકેશન જળવાય રહે તેમજ યાત્રિકોને મોબાઈલ નેટવર્ક મળી રહે તે માટે મોબાઈલ કંપનીના પ્રતિનિધિઓ સાથે બેઠક થઈ છે. જેમાં મોબાઈલ કોલની ફ્રિકવન્સીમાં વધારો કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. કડક સુરક્ષા વ્યવસ્થા મેળા દરમિયાન યાત્રિકોની સુરક્ષા, સલામતી તેમજ ઈમરજન્સીમાં મદદ મળી રહે તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કડક બંદોબસ્ત તેમજ ટ્રાફિક વ્યવસ્થા વગેરે માટે પુરતો પોલીસ બંદોબસ્ત રહેશે. 
 
પોલીસ તંત્ર દ્વારા પોલીસ, હોમગાર્ડ, એસઆરપી તેમજ અન્ય સુરક્ષા કર્મચારીઓ સહિત ૨ હજારથી વધુનો સ્ટાફ બંદોબસ્ત જાળવશે. આ માટે પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ યાત્રિકોને ટ્રાફિક સહિતની સમસ્યા ન રહે તે માટે પોલીસની ટીમ આયોજન કરી રહી છે. પોલીસ વિભાગ દ્વારા પાસ માટેની કામગીરી ભવનાથ ખાતે કરવામાં આવશે. મેળામાં ૨૨૩ વધારાની એસ.ટી.બસ દોડશે મેળામાં ભાવિકોને પરિવહન સગવડતા મળી રહે માટે એસ.ટી. તંત્ર દ્વારા બસ સ્ટેશનથી ભવનાથ માટે ૫૬ મીની બસ મુકાશે. જેનું ભાડું મુસાફર દીઠ રૂ.૨૦ રહેશે. જ્યારે જૂનાગઢથી અન્ય મથકોએ જવા ૧૭૩ મોટી બસ દોડાવવામાં આવશે. જૂનાગઢનો મહાશિવરાત્રીનો મેળો ભક્તિમય મેળો હોય, તમામ યાત્રિકોને સુવિધા મળે અને કોઈ મુશ્કેલી ન થાય તે માટે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહ્યું છે.