સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 19 ડિસેમ્બર 2019 (15:28 IST)

ગુજરાતમાં મોંઘવારીએ માઝા મૂકી: બટાટા, ડુંગળી, દૂધ અને તેલના ભાવમાં ધરખમ વધારો

ગુજરાતમાં ડુંગળીના કિલોના ભાવ રૂ. ૧૨૦ ની ઉપર અને બટાટાના ભાવ પણ કિલોએ રૂ. ૪૦ ના ભાવે વેચાઇ રહ્યાં છે જ્યારે દૂધમાં થોડા દિવસો પહેલા જ અમૂલે લિટરે રૂ. બે નો વધારો ઝીંક્યા પછી સિંગતેલના ભાવમાં પણ એક મહિનામાં એક ડબાના રૂ. ૧૪૦ નો વધારો થયો છે. શાકભાજી અને જીવન જરૂરિયાતોના ભાવમાં થયેલા વધારાથી મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે હવે ભોજનની થાળી દોહ્યલી બની રહી છે. અમદાવાદમાં બટાટાનો ભાવ કિલોગ્રામ દીઠ રૂ.૪૦ સુધી પહોંચી ગયો છે. બટાટાનો જથ્થાબંધ ભાવ પ્રતિકિલો રૂ. ૧૮ છે. એનો અર્થ એ થયો છે કે, છૂટક બજારમાં બમણો ભાવ વસૂલાય છે. ડીસા તેમજ તેની આજુબાજુના વિસ્તારોમાં બટાટા કિલો રૂ.૨૬ના ભાવે વેચાય છે. બટાટાની સાથે ડુંગળીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. એક સમયે છૂટક બજારમાં પ્રતિ કિલો રૂ. ૮૦ સુધી પહોંચી ગયેલા ડુંગળીના ભાવ ફરીથી વધીને રૂ. ૧૨૦ પ્રતિકિલો થઈ ગયા છે. હવે તેલોનાં ભાવમાં પણ મસમોટો વધારો થયો છે. સિંગતેલ, મકાઈ તેલ, કપાસિયા તેલ, સનફ્લાવર તેલ સહિતનાં તેલોની કિંમતોમાં વધારો થતાં લોકો પરેશાન થઈ ચૂક્યા છે. સિંગતેલનાં ભાવોમાં ભડકો થયો છે. એક જ મહિનામાં સિંગતેલનાં ભાવમાં ૧૪૦ રૂપિયાનો વધારો થયો છે. હાલ સિંગતેલનાં એક ડબ્બાનો ભાવ ૧૮૯૦ રૂપિયા પર પહોંચી ગયો છે. અને આગામી સમયમાં ૨૦૦૦ સુધી પહોંચશે તેવું જાણકારો કહી રહ્યા છે.
 
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ૨૦ કિલો ડુંગળીનો રેકોર્ડબ્રેક ભાવ ₹ ૨૨૦૦ બોલાયો
અહીંના માર્કેટિંગ યાર્ડમાં ૨૦ કિલો ડુંગળીનો ભાવ ઓલટાઇમ ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. ૨૦ કિલો ડુંગળીનો ભાવ ૨૨૦૦ રૂપિયા બોલાયો હતો. ડુંગળીનો આ ભાવ યાર્ડની સ્થાપનાથી અત્યાર સુધીનો સૌથી ઊંચો રેકોર્ડબ્રેક ભાવ છે. ડુંગળીના સારા ભાવ આવતા જ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્રમાં ડુંગળીના સૌથી મોટા યાર્ડ તરીકે ગણાતા ગોંડલ યાર્ડમાં ડુંગળીની આવક ૪૫થી ૫૦ હજાર ગૂણીની થઈ હતી અને ભાવ ૧૩૦૦થી ૨૦૦૦ રૂપિયા સુધીનો બોલાયો હતો. જ્યારે કપાસની વાત કરીએ તો ૧૨૦થી ૧૩૦ વાહનો ભરીને ખેડૂતો કપાસ લાવ્યા હતા. કપાસનો ભાવ ૧૦૦૦ની આસપાસ બોલાયો હતો. આ ઉપરાંત મગફળીની ૨૫ હજારની ગૂણીની આવક થઈ છે. સારી મગફળીનો ભાવ ૯૩૫ રૂપિયા સુધી બોલાયો હતો.