ગુજરાતમાં આંદોલનોને લઈને ઘેરાઈ સરકાર, સચિવાલયમાં દિવસભરથી બેઠકોનો દોર
ગુજરાતમાં વિવિધ આંદોલનોએ નવી સરકાર માટે મુશ્કેલી ઉભી કરી છે. છેલ્લા 4-5 દિવસથી ગુજરાતમાં પે ગ્રેડ મુદ્દે પોલીસ આંદોલન ચાલી રહ્યુ છે. પોલીસ આંદોલનને કોંગ્રેસ, આમ આદમી પાર્ટીનુ રાજકીય સમર્થન સાંપડતા ભાજપ સરકારમાં દોડધામ મચી છે. પોલીસ આંદોલનના સમર્થનમાં ધરણાં ,દેખાવો ઉપરાંત ટ્રાફિક ચક્કાજામ થઇ રહ્યો છે જેથી સચિવાલયમાં દિવસભરથી બેઠકોનો દોર જામ્યો છે. દિવસે-દિવસે હવે આ આંદોલન ઉગ્ર બની રહ્યું છે. ખાસ કરીને અમદાવાદમાં પોલીસ પરિવારનો આક્રોશ વધુ જોવા મળી રહ્યો છે.
આજે દાણીલીમડા પોલીસ લાઈનમાં મહિલાઓ તેમજ બાળકો હાથમાં થાળી-વેલણ તેમજ પગાર વધારાની માંગના બોર્ડ લઈને રસ્તા પર ઉતરી આવ્યા છે. બીજીતરફ શાહીબાગ હેડક્વાટર ખાતે પણ મહિલાઓ થાળી અને વેલણ લઈને વિરોધ કરવા માટે બહાર આવી છે. ગ્રેડ-પે અમારો હક્ક છે તેવા સુત્રોચાર સાથે મહિલાઓ રોડ પર ઉતરી આવી છે.
વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને ઉપનેતા શૈલેષ પરમારે મુખ્યમંત્રીને પત્ર લખી એવી રજૂઆત કરી હતી કે, પોલીસના ભથ્થામાં ય વધારો કરવો જોઇએ.પોલીસની ફરજ માટે કલાકો નિર્ધારિત કરવા જોઇએ.પોલીસ યુનિયન બનાવવાનો અધિકાર આપવો જોઇએ.પોલીસમાં ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવી જોઇએ.
પોલીસ રજાના દિવસે ફરજ બજાવે તો પગાર ચૂકવવો જોઇએ. પોલીસ આંદોલનને રાજકીય રંગ અપાય તેવી ભીતિને પગલે સચિવાલયમાં ગૃહ વિભાગની તાકીદની બેઠક મળી હતી જેમાં પોલીસના પ્રશ્નોને લઇને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.અન્ય રાજ્યમાં પોલીસને શુ પગાર-સુવિધા અપાય છે તે અંગે સમિક્ષા કરાઇ હતી. આમ,દિવસભર બેઠકોનો દોર જામ્યો હતો.
મંગળવારે મોટી સંખ્યામા પોલીસ પરિવારની મહિલાઓ સત્યાગ્રહ છાવણી પહોંચી હતી અને ધરણા શરૂ કર્યા હતાં. મોડી રાતે પણ સત્યાગ્રહ છાવણી ખાતે મહિલાઓ જોવા મળી હતી. તેમણે કહ્યુ હતુ કે, ગૃહમંત્રી બાળક માટે બહાર આવે તો પોલીસ માટે કેમ નહિ ? એટલુ જ નહિં પણ ધરણા પર બેઠેલી મહિલાઓએ રાત્રી ભોજન પણ છાવણી ખાતે જ લીધુ હતું. અને અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં પણ ઓછો મળતો ગ્રેડ પે વધારવાની માગને દહોરાવી હતી.