ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ બે મહિલા PSI સામે પોલીસ ફરિયાદ
ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ બે મહિલા PSI સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં PSI એસ.એફ ચૌધરી અને ચૌહાણ સામે ફરિયાદ થઇ છે. તેમાં PSI ચૌધરીએ યુવતીને માર માર્યો હતો. તેમજ PSI ચૌહાણે યુવતીની ફરિયાદ લેવાનો ઇન્કાર કર્યો હતો.
પોતાના પતિને આપઘાત કરવા માટે મજબૂર કરવાના ગુનામાં જામીન ઉપર છૂટેલી મહેસાણાની યુવતીને બી ડિવિઝન પોલીસ મથકે બોલાવી મહિલા PSI એસ.એફ. ચૌધરીએ લાફા મારી બંને હાથે પટ્ટા મારતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઇ હતી. જેમાં તેણીને અન્ય PSI ચૌહાણે ફરિયાદ નહીં કરવાનું કહેતાં યુવતીએ બંને પીએસઆઇ વિરુદ્ધ ફરિયાદ નોંધવા હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જેને પગલે હાઇકોર્ટે બંને પીએસઆઇ સામે ફરિયાદ નોંધવાનો આદેશ કરતાં છ મહિના બાદ બી ડિવિઝન પોલીસ મથકના બંને પીએસઆઇ વિરુદ્ધ તેમના જ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલા ઝઘડાને લઈ પોલીસ વચ્ચે પડી હતી. તો બીજી તરફ મહિલા પીએસઆઈ દ્વારા યુવતીને પોલીસ સ્ટેશન બોલાવીને માર માર્યો હતો. પોલીસે માર માર્યા બાદ યુવતી સારવાર હેઠળ સરકારી હોસ્પિટલમાં દાખલ થઈ હતી અને ત્યારબાદ તેણે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકમાં બે મહિલા પીએસઆઈની સામે ફરિયાદ નોંધાવાની વાત કરી પરંતુ પોલીસે ફરિયાદ ના લેતા તેણે હાઈકોર્ટના દ્વાર ખખડાયા હતા. ત્યારે હાઈકોર્ટના હુકમ બાદ બન્ને પીએસઆઈ મહિલા સામે બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી હતી.