ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 27 ઑક્ટોબર 2018 (12:47 IST)

ગુજરાતની સ્થિતિથી વાકેફ થવા વડાપ્રધાન મોદી 30મી એ અમદાવાદ આવી જશે

છેલ્લા કેટલાક સમયથી સમયાંતરે વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓ ઉભી થઈ રહી છે. જેને કારણે કહેવાતા 'ગુજરાત મોડેલ'ની છબી દેશ-વિદેશમાં ખરડાઈ છે. આવી સ્થિતિમાં ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી આવી રહી હોઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખૂબ જ ચિંતાતુર બન્યા છે.

ચૂંટણી સુધી હવે કોઈ નવા ઈસ્યુ ન ઉભા થાય અને તમામ ૨૬ બેઠકો જીતવા માટે કેવો વ્યૂહ અપનાવવો તેની ચર્ચા વિચારણા કરવા અને જીતનો મંત્ર આપવા માટે વડાપ્રધાન મોદી ૩૦મી ઓક્ટોબરે રાત્રે જ અમદાવાદ આવી જવાના છે. ૩૧મી ઓક્ટોબરના રોજ કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવા મોદી આવી રહ્યા છે. છેલ્લા દિવસોમાં તેમના કાર્યક્રમમાં ફેરફાર થઈ રહ્યા છે. નવી દિલ્હીથી એરફોર્સનાં વિમાનમાં અમદાવાદ આવશે. અહીંથી તેઓ ગાંધીનગર જશે.
ત્યાર બાદ બીજે દિવસે સવારે ગાંધીનગરથી જ હેલિકોપ્ટર દ્વારા કેવડીયા જવા રવાના થશે. કેવડીયાનો કાર્યક્રમ સંપન્ન કરીને ફરીથી પાછા અમદાવાદ આવીને અહીંથી જ દિલ્હી જવા રવાના થશે. વડાપ્રધાનના કાર્યક્રમના સંદર્ભમાં ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે પીએમએના અધિકારીઓ ગાંધીનગરનાં પ્રોટોકોલ વિભાગ સાથે સતત સંપર્કમાં છે. ૩૦મીએ તેઓનાં અમદાવાદ આવવાની પૂરી શક્યતાઓ છે.
જ્યારે રાજકીય સૂત્રો જણાવે છે કે, પહેલા પાટીદારોનું અનામત આંદોલન, બાદમાં ઓબીસી અને એસસીના વર્ગોનો લોકોનો વિરોધ થયો હતો. ત્યાર બાદ છેલ્લે પરપ્રાંતીયો પર હૂમલાઓની ઘટના થઈ. આદિવાસી લોકો દ્વારા વડાપ્રધાનના કાર્યક્રમનો બહિષ્કાર તેમજ ગામડાઓ બંધનું એલાન. ખેડૂતોના દેવા માફીનો સિંચાઈનો પ્રશ્ન વગેરે જેવી અનેક સમસ્યાઓ ગુજરાતમાં ઉભી થઈ છે. અગાઉ ૩૧મીના રોજ તમામ મહાનુભાવો હાજર રહેવાના હતા. પરંતુ પ્રાંતવાદના નામે થયેલા હૂમલા અને હિજરતને પગલે કાર્યક્રમમાં ફેરફાર કરાયો હતો. હવે માત્ર વડાપ્રધાન એકલા જ સમગ્ર કાર્યક્રમમાં હાજર રહેશે.
ગુજરાતમાં ચાલી રહેલી ઘટનાઓને પગલે વડાપ્રધાન નારાજ છે. તેઓએ આના સંદર્ભમાં મુખ્યમંત્રી તેમજ મુખ્ય સચિવ સાથે ફોન પર વાતચીત પણ કરી હતી. હાલની સ્થિતિને કારણે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપને ખાસ્સું નુકસાન થાય તેમ છે. જો મોદીના 'ગુજરાત મોડેલ'ને ફટકો પડે તો ભાજપની છબી વધુ ખરડાઈ જવાની છે.
ઉભી થયેલી આ પ્રકારની પરિસ્થિતિ જોઈને વડાપ્રધાન મોદીએ ગુજરાતનાં ટોચના નેતાઓ પાસેથી છેલ્લામાં છેલ્લી સ્થિતિની જાણકારી મેળવવાનું નક્કી કર્યું છે. વડાપ્રધાન ૩૦મીએ રાત્રે રાજભવન ખાતે જ ટોચના નેતાઓ-મુખ્ય સચિવ સાથે મીટીંગ કરશે. જરૃર પડયે ઠપકો પણ આપશે. તેમજ ૨૦૧૯ની ચૂંટણી જીતવાનો વ્યૂહ ઘડશે. લોકસભાની ચૂંટણી પહેલા નવી કોઈપણ સમસ્યા ઉભી ન થાય તે જોવાની તેમજ હાલમાં જે પ્રશ્નો છે તેનું નિરાકરણ લાવવાની તાકીદ પણ નેતાઓને કરશે