ભારત વર્લ્ડ કપ જીતે તો.... રાજકોટના ઉદ્યોગપતિએ કરી મોટી જાહેરાત
આવતીકાલે રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાવાની છે. મેચને લઈને ક્રિકેટ ફેન્સમાં ભારે ઉત્સાહ છે. ભારતીય ટીમ અત્યાર સુધી વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને એકપણ મેચ હારી નથી. ત્યારે આવતીકાલે ઓસ્ટ્રેલિયા સામે છેલ્લીવાર જીતના ઈરાદા સાથે ઉતરશે. ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાના ક્રિકેટર અને સપોર્ટ સ્ટાફ માટે ઈનામની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટના ઉદ્યોગપતિએ ટીમ ઈન્ડિયા માટે ખાસ જાહેરાત કરી છે.
રાજકોટમાં ભાજપ અગ્રણી અને ઉદ્યોગપતિ કેયુર ઢોલરિયાએ ભારતીય ટીમ વર્લ્ડકપ જીતે તો તમામ 15 ખેલાડીઓ અને કોચ સહિત 15 સભ્યોને પ્લોટ ગિફ્ટમાં આપવાની જાહેરાત કરી છે. આ તમામને રાજકોટ ઈન્ડસ્ટ્રીયલ ઝોનના હબ ગણાતા લોઠડા ઈન્ડસ્ટ્રીયલ ઝોન વિસ્તારમાં ભાયાસર-કાથરોટા પાસે શિવમ જેમિન ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં આધુનિક સુવિધા સાથેના 251 વારના પ્લોટ પુરસ્કાર રૂપે એનાયત કરાશે. આજે લાભ પાંચમના દિવસે જ લોઠડા ઈન્ડસ્ટ્રીઝ ઝોનમાં 50 એકર વિસ્તારમાં શિવ ઈન્ડસ્ટ્રીઝ ઝોન શરૂ કરવામાં આવ્યો છે. ઈનામની જાહેરાત વિશે વાત કરતા કેયુર ઢોલરિયાએ કહ્યું કે, આ ખેલાડીઓને આપવામાં આવનાર પ્લોટની કિંમત 10 લાખ રૂપિયા જેવી થાય છે. આ પ્લોટ અમે ભારતીય ક્રિકેટરોને ક્રિકેટ બોર્ડનો સંપર્ક કરીને આપીશું. જો કોઈ ક્રિકેટર તેમના પરિવારના સભ્યોના નામે પ્લોટ કરાવવા માગે તો તે પણ અમે કરી આપીશું. અમારા ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં 230 પ્લોટ છે, તેમજ તમામ ખેલાડીઓ માટે અમે 16 પ્લોટ અલગ રાખ્યા છે.