Photo Rain in Rajkot - રાજકોટમાં મેઘતાંડવ,શહેરમાં રસ્તાઓ પર નદીઓ વહેતી દેખાઈ,7 કલાકમાં 9 ઇંચ જેટલો વરસાદ
રાજકોટમાં ગત રાત્રિથી ભારે વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ અવિરતપણે મેઘાનાં મંડાણ મંડાતાં દેખાઈ રહ્યાં છે. સતત વરસી રહેલા વરસાદે ઘણી તારાજી સર્જી છે. શહેરમાં રસ્તાઓ પર નદીઓ વહેતી દેખાઈ રહી છે. ઘણી જગ્યાએ વાહનો ફસાઈ ગયાં છે. તો કેટલાક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયાં છે. ઘર હોય કે રસ્તા, લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હજુ પણ અવિરતપણે મેઘાનાં મંડાણ થઈ રહ્યાં છે, જ્યાં 7 કલાકમાં 9 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
શહેરમાં ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા પોપટપરામાં ઘરમાં પાણી ઘૂસ્યાં હતાં અને લોકો પહેલા માળે જતા રહ્યા હતા. આ ઉપરાંત લલુડી વોકળીમાં રસ્તા નદી બન્યા હતા, જેને પગલે વાહનો ડૂબ્યાં હતાં અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી અનુસંધાને રાજકોટ જિલ્લો હાલ રેડ એલર્ટ ઝોનમાં આવી ચુક્યો છે.
રેડ એલર્ટ ઝોનમાં ભારેથી અતિ ભારે વરસાદ પાડવાની સંભાવના દર્શાવવામાં આવી છે. હાલ અતિ ભારે વરસાદ પડી રહ્યો હોઈ ડિઝાસ્ટર વિભાગ દ્વારા સાવચેતી રાખવા માટે જાણવાયું છે. ખાસ કરીને ડેમોમાં નવા નીરની આવક સાથે ઓવરફલૉની સ્થિતિમાં ડેમના દરવાજા ખોલવામાં આવી રહ્યા હોઈ ડેમ વિસ્તારમાં નીચાણવાસમાં લોકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાન્તર કરવા તેમજ કોઝવે પરથી પરિવહન ન કરવા તંત્ર દ્વારા ખાસ અપીલ કરવમાં આવી છે.રાજકોટમાં ઉપરવાસમાં વરસાદના પગલે આજી નદી બે કાંઠે વહેવા લાગી છે.
આ વર્ષે પ્રથમ વખત આજીએ રામનાથ મહાદેવને જલાઅભિષેક કર્યા હતા. રાજકોટ ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે તો આજી નદીના પાણી રામનાથ પરા વિસ્તારમાં ફરી વળ્યા છે. તો બીજી તરફ આજી નદીમાં પાણીની આવક વધતા નદી કાંઠે ન જવા માટે લોકોને સૂચન કરવામાં આવ્યું છે. ફાયર વિભાગની ટીમ આજી નદી, ભગવતીપરા, રામનાથ પરા, થોરાળા વિસ્તારમાં જઇ સતત બચાવની કામગીરી કરી રહી છે.જેથી મેયરે આજી નદીની સ્થળ મુલાકાત કરી હતી