Paytmમાં કેવાયસી અપડેટ કરવાના બહાને ચાલતા કૌભાંડનો પર્દાફાશ, 2 આરોપીની ધરપકડ
Paytmમાં KYC અપડેટ કરવાના બહાને ફ્રોડ કરનાર 2 આરોપીની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. દેશભરમાં 25 લાખથી વધુ લોકોને મેસેજ કરી પોતાના જાળમાં ફસાવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસની પકડમાં આવેલો આરોપી સોહિલ સોકતખાન પઠાણ માસ્ટર માઈન્ડ છે. સાયબર ક્રાઇમે અન્ય આરોપી મોહસીન ખાનના બેંક એકાઉન્ટથી સોહિલ ખાન સુધી પહોંચી શકી છે. આરોપી આમ તો માત્ર 12 ધોરણ પાસ છે પરંતુ છેલ્લા 2 વર્ષમાં તેણે ફ્રોડ ગેંગ સાથે મળીને લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.આરોપી આ કૌભાંડ આચરવામાં પહેલું પગથિયું ચડી રહ્યો હતો તેના મારફતે આખું રેકેટ ચાલતું હતું. આરોપી ગેટવે ના મદદથી હોરિઝોન નામની એપની મદદથી ગુજરાત, હરિયાણા મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ , ઝારખંડ, પંજાબ, દિલ્હી, બિહાર અને બંગાળના લોકોને મેસેજ કરતો હતો. આરોપીનું કામ પૂરું થઈ જતા અલગ અલગ રાજ્યોના અન્ય આરોપીઓ ભોગ બનનારને ટીમ વ્યુયર ડાઉનલોડ કરાવી તેમના ખાતાની માહિતી જાણી રૂપિયાની છેતરપિંડી કરી નાખતા હતા.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ગુજરાતમાં જ 1 કરોડથી વધુની છેતરપિંડી કરી ચૂક્યા છે, સાથે 25 લાખ લોકોને મેસેજ પણ મોકલી ચૂક્યા છે. હાલ પ્રાથમિક તપાસમાં 200થી વધારે ગુના આચર્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસને આરોપી પાસેથી 8 બેંક એકાઉન્ટ, 58 લાખ રોકડ રૂપિયા , છેતરપિંડીના રૂપિયાથી લીધેલ કાર, બાઈક અને દુકાન સહિત અન્ય મુદામાલ મળી આવ્યા છે. આરોપીને એક મેસેજ પેટે 2 રૂપિયા મળતાં હોવાનું સામે આવ્યું છે.નોંધનીય છે કે હાલ તો 200 ગુનાના ભેદ ઉકેલાયા છે પણ આ આંકડો હજારોમાં જઈ શકે છે. પોલીસ આ ગેંગના અન્ય માસ્ટર માઈન્ડ ઝારખંડ અને અન્ય રાજ્યોમાં તેમને પકડવા માટે કાર્યવાહી કરી રહી છે. આ મામલે આઈટીને પણ જાણ કરવામાં આવી છે.