ગરબાના સ્થળે આડેધડ પાર્કિગ થશે તો મંજુરી રદ, પાર્કિંગ થયેલા વાહનોને દંડ ફટકારાશે
નવરાત્રીમાં ટ્રાફિક નિયમન માટે ગરબા આયોજકો માથે હવે મોટી જવાબદારી છે. આ વર્ષે નવરાત્રીમાં ગરબા આયોજકોની જવાબદારી માત્ર સિમિત નહીં રહે. ગરબાના સ્થળની બહારના રોડ ઉપર ટ્રાફિકને અડચણરૂપ રીતે કોઇ વાહન પાર્ક ન કરે તે જોવાની જવાબદારી પણ જે - તે આયોજકોની રહેશે. આટલું જ નહીં જો રાસ - ગરબાના સ્થળની બહારના રોડ ઉપર આડેધડ વાહન પાર્ક કરેલા હશે અને તો તેના કારણે ટ્રાફિક જામ થશે તો જે તે આયોજકની ગરબાની મંજૂરી રદ કરવામાં આવશે તેમજ તેમના વિરુદ્ધ ગુનો નોંધાશે. જો રાત્રે વાહન ટો થશે તો ટૂ વ્હીલર માટે રૂ.750 અને કારનો રૂ.1 હજાર દંઢ થશે.ટ્રાફિક શાખાના સંયુક્ત પોલીસ કમિશનર જે.આર.મોથલિયા એ જણાવ્યું હતું કે, ગરબા ચાલુ થવાના સમયે અને પૂરા થયા બાદ એક સાથે લોકો ઘરે જવા નીકળતા હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. જો કે તેને પહોંચી વળવા માટે દરેક આયોજકને તેમના ત્યાં આવનારા લોકોની સંખ્યાને અનુરૂપ પાર્કિંગની વ્યવસ્થા રાખવા સૂચના આપી છે. જ્યારે એસજી હાઈવે ઉપર અમુક રસ્તાઓ વચ્ચેના કટ પણ બંધ કરી દેવાશે. ટ્રાફિક પોલીસ, હોમગાર્ડ અને ટ્રાફિક બ્રિગેડના મળીને અંદાજે 5 હજાર જવાનો નવરાત્રી દરમિયાન રાતના સમયે પણ ટ્રાફિક નિયમન કરશે.રાજ્ય સરકારે જે રીતે ટ્રાફિકના નિયમો કડક કર્યા છે. તે નિયમોનું ટ્રાફિક પોલીસ દ્વારા નવરાત્રી દરમિયાન પણ કડક પાલન કરવામાં આવશે. તેમણે શહેરીજનોને અપીલ કરી છે કે નવરાત્રિ દરમિયાન રાતે ફરવા નીકળો ત્યારે પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરજો. જેથી પોલીસ અને શહેરીજનો વચ્ચે ઘર્ષણ ન થાય. જ્યારે રાસ - ગરબાના આયોજકોને તો સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે તેમના ગરબાના સ્થળ બહાર કોઇ વાહન ટ્રાફિકને અડચણરૂપ રીતે પાર્ક ન થાય.