સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 19 જાન્યુઆરી 2018 (11:37 IST)

રાજકોટમાં પદ્માવત ફિલ્મનો વિરોધ, હાઇવે પર ટાયર સળગાવ્યા

સુપ્રીમ કોર્ટે પદ્માવત ફિલ્મને રિલિઝ કરવાની મંજૂરી આપી દીધી છે. જો કે, ક્ષત્રિય સમાજે આ ફિલ્મને કોઈ પણ કાળે રિલિઝ ન કરવા દેવાની ચિમકી ઉચ્ચારી છે. તેના ભાગરૂપે ગુરુવારે રાત્રિના 10 વાગ્યે રાજકોટ નજીક માલિયાસણ પાસે હાઈ-વે પર ટાયરો સળગાવીને ક્ષત્રિય સમાજના યુવાનોએ વિરોધ કર્યો હતો. આથી વાહનોના ચક્કાજામ થઈ ગયા હતા. રાજકોટમાં રાત્રે કેસરિયા સાફા બાંધી જય ભવાનીના નાદ સાથે વિશાળ બાઈક રેલી નીકળી હતી.

પદ્માવત ફિલ્મના મુદ્દે કરણીસેના અને ક્ષત્રિય સમાજ આરપારની લડાઇ લડવાના મૂડમાં હોવાનું સૌરાષ્ટ્રના પ્રભારીએ જણાવ્યું હતું. શુક્રવારે પુસ્કરધામ મેઇન રોડ પર આવેલા તીર્થ પાર્ટી પ્લોટમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટની તમામ સિનેમાના માલિકો ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના આગેવાનોને ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. સિનેમાલિકોને સમજાવવામાં આવશે તે કે પદ્માવત ફિલ્મ સમગ્ર ક્ષત્રિય સમાજ માટે કલંક છે અને જો આ ફિલ્મ રિલિઝ થશે તો ભારતના ઇતિહાસ સાથે ચેડાં સમાન ગણાશે. આથી સિનેમાલિકોએ પદ્માવત ફિલ્મ રિલિઝ કરવી ન જોઇએ. દરમિયાન રાત્રીના 11:00 વાગ્યે રાજપૂત સમાજના યુવાનોએ પદ્માવત ફિલ્મના વિરોધમાં કિસાનપરા ચોકમાં સુત્રોચ્ચાર પણ કર્યા હતા. આમ છતાં જો સિનેમાલીકો ફિલ્મ રજૂ કરશે ત્યારબાદની સંપૂર્ણ જવાબદારી સિનેમાલિકોની રહેશે. કરણીસેના અને ક્ષત્રીય સમાજ આ ફિલ્મને કોઇ પણ ભોગે રિલિઝ થવા નહીં દે અને તેના માટે બલીદાન આપવાની પણ તૈયારી દાખવી હતી.