રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 8 સપ્ટેમ્બર 2022 (09:35 IST)

થલતેજ ખાતે ખુલ્લો મુકાયો ઑક્સિજન પાર્ક, જાણો શું છે ખાસિયત

અમદાવાદના થલતેજ વિસ્તારમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પીપીપી ધોરણે ૪૨૦૦ ચોરસ મીટરમાં ફેલાયેલા ઓક્સિજન પાર્કનું લોકાર્પણ ગુજરાત રાજ્યના આરોગ્ય અને જળસંપત્તિ, પાણી પુરવઠા મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું.  ‘ઇન્ટરનેશનલ ડે ઑફ ક્લીન એર ફોર બ્લૂ સ્કાઇઝ’ નિમિત્તે ઓક્સિજન પાર્કના લોકાર્પણ પ્રસંગે મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગર-અમદાવાદ મતવિસ્તારના સાંસદ અમિત શાહના માર્ગદર્શનથી અમદાવાદમાં ગ્રીન કવર વધે એવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઔદ્યોગિક વિકાસ અને વધતાં વાહનવ્યવહારને કારણે પ્રદૂષણના પડકાર સામે અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરની હવાની ગુણવત્તા સુધારવા માટે મિશન મોડ પર કામગીરી હાથ ધરી છે, એ અભિનંદનને પાત્ર છે. 
 
આ પ્રસંગે મંત્રીએ અમદાવાદમાં ગ્રીન કવર વધારવાના પ્રયાસોને બિરદાવતા વધુ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૨માં અમદાવાદમાં ભૌગોલિક વિસ્તારના માત્ર ૪.૬૬ ટકા ગ્રીન કવર હતું, જેને ૧૫ ટકા સુધી પહોંચાડવાના લક્ષ્ય સામે હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને અમિત શાહના માર્ગદર્શન હેઠળ અમદાવાદનું ગ્રીન કવર ૧૦ ટકાએ પહોચ્યુ છે. ઓક્સિજન પાર્ક-અર્બન ફોરેસ્ટના નિર્માણ જેવા અમદાવાદ મહાનગરપાલિકાના પ્રયાસોનું અન્ય પાલિકાઓએ પણ અનુકરણ કરવા જેવું છે.
 
શહેરી વિસ્તારમાં ઑક્સિજન પાર્કનું મહત્ત્વ સમજાવતાં મંત્રીએ જણાવ્યું હતું કે, ઑક્સિજન પાર્ક કે અર્બન ફોરેસ્ટને કારણે હવાની ગુણવત્તા સુધરે છે, સાથે સાથે ક્વોલિટી ઑફ લાઇફમાં પણ વધારો થાય છે. શહેરીજનોના સ્વાસ્થ્ય પર તેની સીધી સકારાત્મક અસરો જોવા મળે છે. અમદાવાદ પર્યાવરણીય પડકારો ઝીલવા સક્ષમ બન્યું છે, એવું તેમણે ઉમેર્યું હતું.
 
વધુમાં મંત્રીએ જણાવ્યું કે સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વૉર્મિંગની સમસ્યાની ચિંતા થઈ રહી હતી ત્યારે આ પડકારને નિવારવા માટે કેવાં પગલાં લેવાં ? કેવા પ્રયાસો કરવા જોઈએ ? એનું વિચારમંથન સૌથી પહેલા ૨૦૦૨માં નરેન્દ્રભાઈએ કરેલું અને સમગ્ર વિશ્વને ઉપાયો સૂચવ્યા હતા. વડાપ્રધાનના વિઝન અનુસાર જ ગુજરાતમાં ગ્લોબલ વૉર્મિંગને અટકાવવા માટે ગ્રીન કવર સહિતના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, એવું તેમણે ઉમેર્યું હતું.
 
આ પ્રસંગે મંત્રીએ લોકોને સામૂહિક મુસાફરી કરીને કે પછી જાહેર વાહનવ્યવહારનો ઉપયોગ કરીને શહેરમાં પ્રદૂષણ ઘટાડવામાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. તેમણે બિન પરંપરાગત અને પુનઃપ્રાપ્ય ઊર્જા સ્રોતને વિકસાવવા અને ક્લીન એનર્જીનો ઉપયોગ વધારવા પર ભાર મૂક્યો હતો.આ કાર્યક્રમમાં બીઆરટીએસનો મહત્તમ ઉપયોગ કરનારા ચાર વિદ્યાર્થીઓને મંત્રી ઋષિકેશ પટેલ તથા મહાનુભાવોના હસ્તે સાઇકલ ભેટમાં આપીને પ્રોત્સાહિત કરાયા હતા.
 
અત્રે ઉલ્લેખનીય છે કે થલતેજ વિસ્તારમાં હેબતપુર રેલવે ક્રોસિંગ પાસે ૪૨૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ૧૨,૦૦૦ વૃક્ષો ઉછેરવામાં આવ્યાં છે. આ ઓક્સિજન પાર્કમાં મીયાવાકી પદ્ધતિથી નાનું પરંતુ ગાઢ વન તૈયાર કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં ગ્રીન કવર વિસ્તારવા માટે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા મિશન મિલિયન ટ્રીઝ અભિયાન થકી છેલ્લાં વર્ષોમાં મોટા પાયે વૃક્ષારોપણ થઈ રહ્યું છે.  અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં ૧૨૮ ઓક્સિજન પાર્ક તૈયાર કરવામાં આવ્યા છે.