અમદાવાદ સિવિલમાં 600 ઓપરેશન રદ થતાં બહારના ડોકટર બોલાવાયા, હડતાળને કારણે દર્દીઓની સંખ્યા ઘટવા માંડી
અમદાવાદ શહેરની બી.જે. મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોકટરોની હડતાળ દસમાં દિવસે પણ યથાવત્ત રહી છે. હડતાળને કારણે સિવિલ હોસ્પિટલમાં 50 થી 60 ટકા ઓપરેશન રદ કરવાની તંત્રને ફરજ પડી રહી છે. રેસિડેન્ટ ડોકટરોની હડતાળ વિશે જાણ થતાં OPD માં સારવાર માટે આવતા દર્દીઓની સંખ્યા પણ ઘટી ગઇ છે. જે દર્દીઓ સિવિલ હોસ્પિટલની OPD માં સારવાર માટે આવે પણ છે તેમને કલાકો સુધી લાઇનમાં બેસી રહેવું પડે છે.900 રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળને કારણે દર્દીઓની સારવાર માટે ઊભી કરાયેલી વૈકલ્પિક વ્યવસ્થા પણ નિષ્ફળ સાબિત થઈ રહી છે.
હડતાળને કારણે થઈ રહેલી દર્દીઓને પરેશાની મામલે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર રાકેશ જોષીએ નિવેદન આપતા જણાવ્યું કે, દર્દીઓને મુશ્કેલી ના થાય એ માટે સતત મોનિટરિંગ કરી રહ્યા છીએ. નોન ક્લિનિકલ સ્ટાફમાંથી 56 ડોક્ટરોને ક્લિનિકલ પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. અમદાવાદ, વડોદરા અને ગાંધીનગર જિલ્લામાંથી 90 મેડિકલ ઓફિસરોને ડેપ્યુટેશન પર ફાળવવામાં આવ્યા છે. 15 એનેસ્થેટિસ્ટ અમને ફાળવવામાં આવ્યા છે, જેમાંથી 13 ફરજ પર હાજર થઈ ચૂક્યા છે. જે ઓપરેશન રદ્દ કરવા પડતા હતા હવે એવા કેસો ઘટશે.સરકાર દ્વારા પણ વિદ્યાર્થીઓ સાથે સકારાત્મક ચર્ચા ચાલી રહી છે. ટુંક જ સમયમાં હડતાળનો અંત આવશે તેવી આશા રાખી રહ્યા છીએ. રાજ્યના જુનિયર તબીબો દ્વારા તેમના પ્રશ્નો સંદર્ભે હાલ જે હડતાલ ચાલી રહી છે તે સંદર્ભે આરોગ્ય રાજયમંત્રી નિમિષાબેન સુથારે આજે ગાંધીનગર અને ગોધરા ખાતે એમના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે જુનિયર ડોક્ટર એસોસિએશનના પ્રતિનિધિઓના વિવિધ પ્રશ્નો અને રજુઆતો સાંભળી હતી તેમજ સૌને માનવસેવાના આ મહાયજ્ઞમાં જોડાઈ જવા અનુરોધ કર્યો હતો.મંત્રીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના સબળ નેતૃત્વ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ આ તમામ પ્રશ્નોના ત્વરિત,જનહિતલક્ષી અને યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપીને હડતાળ પાછી ખેંચી લેવા અનુરોધ કર્યો હતો.