અમદાવાદમાં 9-10 ફેબ્રુઆરી 2023ના રોજ છઠ્ઠી U20 સાયકલની શરૂઆતની બેઠકનું આયોજન
અર્બન (શહેરી) 20 (U20), જી20 હેઠળનું એક એન્ગેજમેન્ટ ગ્રૂપ છે, જે જી20 દેશોનાં શહેરોના શેરપા, મેયર અને પ્રતિનિધિઓને મુખ્ય શહેરી પડકારો પર સામૂહિક રીતે વિચાર-વિમર્શ કરવા એકસાથે લાવે છે અને જી20 વાટાઘાટોને માહિતગાર કરે છે. છઠ્ઠી U20 સાયકલની ઇન્સેપ્શન મીટિંગ- પ્રારંભિક બેઠક સિટી શેરપા બેઠક છે, જે અમદાવાદમાં 9-10 ફેબ્રુઆરી 2023ના રોજ ચાલી રહી છે. અમદાવાદ એ U20 માટેનું પ્રમુખ શહેર- ચેર સિટી છે.
આ કાર્યક્રમમાં આશરે 40 શહેરોના 70થી વધુ પ્રતિનિધિઓ અને સહભાગી તેમજ નિરીક્ષક શહેરોના 200થી વધુ પ્રતિનિધિઓ, યુ20 કન્વીનરો, વિવિધ કાર્યકારી જૂથોના પ્રતિનિધિઓ અને જી-20નાં જોડાણ જૂથો, સરકારી, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વરિષ્ઠ અધિકારીઓ અને અન્ય આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા છે.
આ કાર્યક્રમની શરૂઆત તમામ મહાનુભાવો અને સહભાગીઓએ તુર્કી અને સીરિયાના લોકો સાથે એકતામાં કેટલીક ક્ષણોનું મૌન પાળ્યું હતું અને તાજેતરની આપત્તિથી અસરગ્રસ્ત લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.