ગીરનારની પરિક્રમા 400 સાધુ-સંતો જ કરી શકશે, સામાન્ય લોકો ભાગ નહીં લઇ શકે
દર વર્ષે દિવાળીબાદ જૂનાગઢમાં ગરવા ગીરનારના સાંનિધ્યમાં યોજાતી લીલી પરિક્રમા સતત બીજા વર્ષે ફક્ત સાધુ-સંતો માટે જ પ્રતિકાત્મક રીતે જ યોજાશે. આ અંગે કલેક્ટર દ્રારા આજરોજ વર્તમાન કોરોનાની ગાઇડલાઇન મુજબ 400ની મર્યાદામાં માત્ર સાધુ-સંતો જ પ્રતિકાત્મક રીતે લીલી પરિક્રમા કરી શકશે તેવી સતાવાર જાહેરાત કરવામાં આવી છે. લીલી પરિક્રમામાં રાજકીય પક્ષોના કે સામાજિક સંસ્થાઓના કોઇ લોકો પ્રતિકાત્મક પરિક્રમા કરી શકશે નહીં. વર્ષોથી દિવાળીના તહેવારો બાદ જૂનાગઢમાં ગરવા ગીરનારના સાંનિધ્યમાં લીલી પરિક્રમા યોજાતી જેમાં લાખોની સંખ્યામાં ગુજરાતભરમાંથી લોકો સામેલ થવા પહોચતા હતા, પરંતુ ગત વર્ષે કોરોના મહામારીના કારણે સાધુ-સંતો દ્રારા પ્રતિકાત્મક રીતે લીલી પરિક્રમા યોજાઇ હતી.
દરમિયાન ચાલુ વર્ષે કોરોના તળીયે હોવા છતાં આરોગ્યના નિષ્ણાંતોના મત મુજબ લાખનો જનમેદની ભેગી કરવી કોરોનાને આમંત્રણ આપવા સમાન હોવાનો મત ધરાવતા હોવાથી મોટા કાર્યક્રમોને સરકાર દ્રારા મંજૂરી આપવામાં આવતી નથી. જેને લઇ રાજય સરકાર દ્રારા કોરોનાની સ્થિતિને ધ્યાને રાખી ગાઇડલાઇન જાહેર કરી છે. આજે જૂનાગઢ જિલ્લા કલેકટર રચિત રાજ દ્વારા લીલી પરિક્રમા અંગે સતાવાર જાહેરાત કરાઇ છે. જેમાં જણાવ્યું છે કે, વર્તમાન કોવિડની મહામારીને ધ્યાને લઇ રાજ્ય સરકારના તા.24/9/21ના રોજ જાહેર કરાયેલી ગાઈડલાઈન મુજબ તમામ પ્રકારનાં રાજકીય, સામાજીક, શૈક્ષણીક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભોમાં તથા ધાર્મિક સ્થળોમાં ખુલ્લામાં મહતમ 400 વ્યકિતઓ, પરંતુ બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાનાં 50 ટકા (મહતમ 400 વ્યકિતઓની મર્યાદામાં) વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે તેવી જોગવાઈ કરાયેલી છે. જેથી કલેક્ટર કચેરી ખાતે સંબંઘિત વિભાગોના અધિકારીઓ, પદાધિકારીઓ તથા સાધુ-સંતો સાથે તા.27/10/21ના રોજ બેઠક યોજી હતી. જેમાં સરકારની ઉપરોકત ગાઈડલાઈન અનુસાર માત્ર 400ની મર્યાદામાં સાધુ–સંતો દ્રારા જ પ્રતિકાત્મક પરિક્રમા યોજવા હાજર તમામ તરફથી અભિપ્રાય રજુ થયો હતો. જે અભિપ્રાયને અનુમોદન આપવા માટે બેઠકની કાર્યવાહી નોંધની નકલ સરકારનાં ગૃહ વિભાગ, ગાંધીનગરમાં મોકલવામાં આવી હતી. જેની સામે સરકારના તા.9/11/21નાં પત્રથી ઉપરોકત ગાઈડલાઈનને લક્ષમાં રાખી અનુસાર નિર્ણય કરવા સુચના આપી હતી. જેથી આગામી કારતક સુદ અગીયારસ તા.14-11-21થી કાર્તીકી પુનમ તા.19-11-21 સુધી પરંપરાગત રીતે યોજાતી 'લીલી પરિક્રમા' માત્ર 400 લોકોની મર્યાદામાં સાધુ-સંતો દ્વારા પ્રતિકાત્મક રીતે યોજાશે. જેની જાહેર જનતાએ નોંધ લેવી. જૂનાગઢ કલેક્ટરે કરેલી જાહેરાતમાં માત્ર સાધુ-સંતો જ પ્રતિકાત્મક રીતે લીલી પરિક્રમા કરશે તેઓ સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે. જેથી પરિક્રમા રાજકીય પક્ષોના, સામાજીક સંસ્થાઓના પ્રતિનિધિઓ કરી શકશે નહીં.