શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગાંધીનગર: , શુક્રવાર, 12 જુલાઈ 2019 (10:25 IST)

સરકાર દ્વારા ખેતી બેંકના બાકીદારો માટે સેટલમેન્ટ યોજના મંજૂર, ૩૧ માર્ચ ૨૦૨૦ સુધી અમલમાં રહેશે

રાજ્યના ખેડુતોના આર્થિક ઉત્થાન માટે કાર્ય કરતી સને ૧૯૫૧ થી કાર્યરત ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક લી. (ખેતી બેંક)ને સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા સેટલમેન્ટ (તડજોડ) યોજનાની મંજૂરી આપવામાં આવેલ છે. બેંકના હિતમાં ખુબ સારો નિર્ણય લેવા બદલ બેંકના ૬ લાખથી વધુ ખેડૂત સભાસદો, આ યોજનાનો લાભ મળનાર છે તેવા મુદતવીતી બાકીદારો અને મેનેજમેન્ટના સભ્યોએ રાજ્ય સરકારનો આભાર માન્યો છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉના વર્ષોમાં પણ સરકાર દ્વારા વનટાઇમ સેટલમેન્ટ યોજનાની મંજૂરી આપવામાં આવી હતી અને ખેતી બેંકના ખાતેદારોએ તે યોજનાને ખુબ સારો પ્રતિસાદ આપ્યો અને તે યોજનાનો લાભ લઇને તેઓનું મુદતવીતી ઋણ ચૂકવીને આર્થિક રીતે સદ્ધર થયા છે. આ યોજનાની મુદત એક વર્ષ અગાઉ પુર્ણ થયેલ હોવાથી ખેડૂતો દ્વારા તેઓને વ્યાજમાં રાહત મળે તે માટે બેંકની તાલુકા મથકે આવેલ શાખાઓમાં આવી યોજના ફરીથી શરૂ કરવા રજુઆત કરી હતી. રાજ્યના તાલુકાઓમાંથી અવારનવાર થયેલ રજુઆતને અનુલક્ષીને બેંક દ્વારા વર્ષ : ૨૦૧૨ પહેલાંના તમામ મુદતવીતી બાકીદારો માટે સેટલમેન્ટ યોજનાની મંજૂરી માટે રાજ્ય સરકારને દરખાસ્ત કરવામાં આવી હતી. જેને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
 
આ યોજનામાં બાકીદારની મુદતવીતી રકમ ઉપર ખડેલ મુદત વ્યાજ તથા દંડનીય વ્યાજમાંથી મુક્તિ આપવામાં આવનાર છે. જેથી બાકીદારોને માત્ર સાદું વ્યાજ અને મુદલ રકમ ભરપાઇ કરીને લોન ખાતુ ચુક્તે કરવાની અમૂલ્ય તક મળી રહે છે. વધુમાં આ પ્રકારની લોન ભરપાઇ કર્યેથી નવું ધિરાણ પણ મળી જાય છે. આ યોજનાનો લાભ લેવા માટે બાકીદારોએ તાલુકા મથકે આવેલ બેંકની શાખાનો રૂબરૂ સંપર્ક કરી અરજી આપવાની રહેશે. યોજનાની મુદત પૂર્ણ થયા બાદ જમીન હરાજી સહિતના કડક પગલાં બેંક દ્વારા લેવામાં આવશે. બેંકની વેબસાઇટ www.khetibank.org ઉપરથી પણ આ યોજના વિશેની વિસ્તૃત જાણકારી મળી રહેશે. આ યોજના તા.૩૧ માર્ચ ૨૦૨૦ સુધીમાં અમલમાં રહેશે એમ ધી ગુજરાત સ્ટેટ કો.ઓ.એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લિ.ની યાદીમાં જણાવાયું છે.