ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 17 માર્ચ 2021 (12:18 IST)

લંડન ખાતેથી કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલની આખરે ધરપકડ કરી લેવામાં આવી

કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે. લંડન ખાતેથી જયેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે. જયેશ પટેલની ધરપકડ કરવા માટે અમદાવાદથી ખાસ પોલીસ અધિકારી દીપેન ભદ્રેનને જામનગર મોકલવામાં આવ્યા હતા.વિદેશમાં ધરપકડ કરવામાં આવી હોવાથી હવે જયેશ પટેલના ભારત લાવવા માટે કાયદાકીય પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જયેશ પટેલ વિરુદ્ધ જામનગરમાં 40થી વધારે ગુના નોંધાયેલા છે. જયેશ પટેલ લોકોને ધાક-ધમકી આપીને જમીન પડાવી લેતો હતો. આ ઉપરાંત લૂંટ, હત્યા, હત્યાના પ્રયાસ અને ગુજસીટોક હેઠળ પણ જયેશ સામે ગુનો નોંધાયેલો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ભારત પોલીસ અને લંડન પોલીસે સંયુક્ત રીતે આ ઑપરેશન પાર પાડ્યું છે, જોકે જયેશની ધરપકડ અંગે ગુજરાત પોલીસ તરફથી કોઈ અધિકારિક જાણકારી આપવામાં આવી નથી.

જામનગરના વકીલ કિરીટ જોશીની એપ્રિલ, 2018માં હત્યા કરાવ્યા બાદ દુબઇ ભાગી ગયેલા ગેંગસ્ટર જયસુખ મૂળજીભાઇ રાણપરિયા ઉર્ફે જયેશ પટેલને ઝબ્બે કરવા ભારતે બ્રિટનને તાકીદ કરી હતી. જામનગરમાં મોટા ભાગના જમીન કૌભાંડ જયેશ પટેલના નામે છે. અલગ અલગ કેસમાં 40થી વધુ ફરિયાદ જયેશ પટેલ સામે નોંધાયેલી છે. જયેશ પટેલે જમીનનો કેસ લડી રહેલા વકીલ કિરીટ જોશીની જાહેરમાં ચપ્પાના ઘા મારીને હત્યા કરી હતી. વકીલની હત્યા બાદ જયેશ પટેલ ફરાર થઈ ગયો હતો. અત્યાર સુધીમાં તેના અનેક સાગરિતો જેલ હવાલે થઈ ચૂક્યા હતા. કિરીટ જોશીની હત્યા મામલે અગાઉ 3 સાગરિતોની ધરપકડ થઈ ચુકી છે.