ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 16 માર્ચ 2022 (11:31 IST)

ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં આગામી 3 દિવસ યલો એલર્ટ, અમદાવાદ 42 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું

અમદાવાદમાં ઉનાળાના પ્રારંભે જ આકાશમાંથી અગનવર્ષા વરસવાનું જાણે શરૂ થઇ ગયું છે. મંગળવારે અમદાવાદ 41.5 ડિગ્રી સાથે રાજ્યનું 'હોટેસ્ટ' સિટી બની રહ્યું હતું. અમદાવાદમાં છેલ્લા 10 વર્ષમાં માર્ચમાં નોંધાયેલું આ બીજું સૌથી વધુ તાપમાન છે.

અમદાવાદ ઉપરાંત 9 શહેરમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થયો છે. હવામાન વિભાગના મતે રાજ્યમાં હજુ 3 દિવસ કાળઝાળ ગરમીનું પ્રભુત્વ રહી શકે છે.હવામાન વિભાગ દ્વારા આજે કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, જુનાગઢમાં યલો એલર્ટ રહેશે.અમદાવાદમાં 41.5 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 6 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. અમદાવાદમાં છેલ્લા પાંચ દિવસમાં સરેરાશ મહત્તમ તાપમાનમાં 6 ડિગ્રીથી વધુનો વધારો થયો છે. 10 માર્ચે અમદાવાદમાં 36.4 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. આગામી 3 દિવસમાં અમદાવાદમાં તાપમાન 42 ડિગ્રીથી વધી શકે છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે 19 માર્ચ સુધી કાળઝાળ ગરમી પડશે અને તાપમાન 42ની આસપાસ રહેશે. આગામી 20-21 માર્ચ દરમિયાન ગરમીમાં સાધારણ ઘટાડો અનુભવાઇ શકે છે. રાજ્યમાં મંગળવારે જ્યાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું તેમાં ગાંધીનગર, રાજકોટ, અમરેલી, જુનાગઢ, ડીસા, પાટણ, ભૂજ, કંડલાનો સમાવેશ થાય છે. ગાંધીનગરમાં માર્ચ મહિનામાં તાપમાન 41 ડિગ્રીને પાર થયું હોય તેવું છેલ્લા 10 વર્ષમાં 7મી વખત બન્યું છે. ગત વર્ષે 29 માર્ચના 41.7 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. રાજકોટમાં 41 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 6 ડિગ્રીનો વધારો થયો છે. રાજકોટમાં ગત વર્ષે 29 માર્ચે 42 ડિગ્રી સાથે માર્ચ મહિનાની સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. આ ઉપરાંત અમરેલી, જુનાગઢમાં પણ તાપમાન 41 ડિગ્રીને પાર થયું હતું. ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં 5 વર્ષમાં ચોથી વખત માર્ચમાં હીટવેવ નોંધાઈ છે.હવામાનશાસ્ત્રી અંકિત પટેલના જણાવ્યા પ્રમાણે અમદાવાદમાં મોટે ભાગે 25 માર્ચ પછી ગરમીનો પારો 41 ડિગ્રીની આસપાસ પહોંચતો હોય છે, તેને બદલે 15 માર્ચ સુધીમાં રેકોર્ડબ્રેક 41.5 ડિગ્રી ગરમી નોંધાઇ હોય તેવી 20 વર્ષમાં પ્રથમવાર બન્યું છે. જેનું મુખ્ય કારણ છે કે, દરિયાની સપાટીથી દોઢ કિલોમીટરના અંતરે એન્ટી સાયક્લોનિક સરક્યુલેશન રચાયું છે, જેને લીધે હીટવેવમાં અસામાન્ય વધારો થતાં અમદાવાદ, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં ગરમ સુકા પવનોથી લુ સાથેના પવનો ફુંકાયા હતા.