નિઝામુદ્દીનવાળા મુસ્લિમોમાં કોરોનાનો ચેપ અને સંક્રમણ વધી રહ્યું છેઃ આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતિ રવિ
ગુજરાતમાં વધતાં જતા કોરોનાના કહેરથી સમગ્ર રાજ્યમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે ત્યારે, રાજ્યના આરોગ્ય અગ્ર સચિવે જનતાને અપીલ કરી છે કે, જો કોઈ વ્યક્તિને હાઇ ફીવર કે શ્વાસની તકલીફ હોય તો વિલંબ કર્યા વિના 104 નંબર પર ફોન કરી સારવાર મેળવે, આ ઉપરાંત કોરોનાનું લોકલ ટ્રાન્સમિશન વધી રહ્યું છે. ખાસ કરીને મુસ્લિમ વિસ્તારમાં અને નિઝામુદ્દીનવાળાને કોરોનાનો વધુ ચેપ છે, ત્યારે આ સમાજના આગેવાનો પણ સમાજમાં સજાગતા માટે અને લોક ડોઉન સજ્જડ બનાવા અપીલ કરે. આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, આજના નવા કેસોમાં મોટા ભાગના ગીચ વિસ્તાર અને મુસ્લિમ વિસ્તારમાં વધુ છે, ગુજરાતમાં કોરોનાનો કહેર 14 મહિનાના બાળકથી વરિષ્ઠ સુધી પહોંચી ગયો છે, તેનું મુખ્ય કારણ ચેપ અને સંક્રમણ છે. તેને દૂર કરવા માટે લોક ડાઉનનું પાલન કરો, કોઈ પણ સમાજ, ગામ, શહેર, વસ્તીમાં જો કોઈને 2 દિવસ પણ હાઈ ફીવર અને શ્વાસની તકલીફ હોય તો તાત્કાલિક સારવાર લો, હળવાશથી ના લો, શરુઆતમાં વિદેશના મુસાફરોથી આ રોગ ફેલાતો હોવાનું માનતા હતા પરંતુ અત્યારે વિદેશ હિસ્ટ્રી વિનાના લોકોમાં વધુ ફેલાઈ રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં વધુ 16 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 11 એકલા અમદાવાદમાં નોંધાયા છે. અત્યારસુધીમાં કુલ 144 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં 12 દર્દીના મોત નીપજ્યાં છે જ્યારે 21 દર્દીને રજા આપવામાં આવી છે. જિલ્લાવાર આંકડા જોઇએ તો અમદાવાદમાં 64 પોઝિટિવ અને 5ના મોત, સુરતમાં 17 પોઝિટિવ અને 2ના મોત, ગાંધીનગરમાં 13 પોઝિટિવ, ભાવનગરમાં 13 પોઝિટિવ અને 2ના મોત, વડોદરામાં 10 પોઝિટિવ અને 1નું મોત, રાજકોટમાં 10 પોઝિટિવ કેસ, પોરબંદરમાં 3 પોઝિટિવ, ગીર સોમનાથમાં 2 પોઝિટિવ, કચ્છમાં 2 પોઝિટિવ, મહેસાણામાં 2 પોઝિટિવ, પાટણમાં 2 પોઝિટિવ, પંચમહાલમાં એક પોઝિટિવ અને એકનું મોત, છોટાઉદેપુર અને જામનગરમાં 1-1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 2714 ટેસ્ટ કરાવાયા છે. જેમાંથી 144 પોઝિટિવ કેસ આવ્યા છે. જ્યારે 2531 ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. હજી 39 ટેસ્ટ પેન્ડિંગ છે. કુલ 144 કેસોમાંથી 110 સ્ટેબલ છે, 2 વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કુલ 14054 લોકો ક્વૉરન્ટીન છે. જેમાં 12885 હોમ ક્વૉરન્ટીન, 900 સરકારી ક્વૉરન્ટીન, 269 ખાનગી ફેસેલિટીમાં ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે. જ્યારે 418 લોકો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.