ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 27 નવેમ્બર 2019 (14:29 IST)

નિત્યાનંદ આશ્રમની લાપતા યુવતીઓને શોધવા પોલીસ વિદેશ મંત્રાલયની મદદ લે : હાઇકોર્ટ

નિત્યાનંદના આશ્રમમાંથી બે યુવતીઓ લાપતા થવાના કેસમાં કરાયેલી હેબિયસ કોર્પસની રિટમાં આજે ગુજરાત હાઇકોર્ટે કહ્યું હતું કે બન્ને યુવતીઓને શોધવામાં પોલીસ વિદેશ મંત્રાલયની મદદ લે. આ ઉપરાંત એવી ટકોર કરી હતી કે પોલીસ યુવતીઓને હાઇકોર્ટ સમક્ષ લાવવામાં નિષ્ફળ જશે તો કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયને આ કેસમાં ઘટતું કરવા જાણ કરાશે. કેસની વધુ સુનાવણી ૧૦મી ડિસેમ્બરના રોજ મુકરર કરવામાં આવી છે. હાઇકોર્ટના જસ્ટિસ એસ. આર. બ્રહ્મભટ્ટ અને જસ્ટિસ વી.પી. પટેલની ખંડપીઠ સમક્ષ હાથ ધરાયેલી સુનાવણીમાં આજે પોલીસ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે ૨૧ વર્ષીય યુવતી લોપાદ્રાએ દોઢ પહેલાં વિદેશ પહોંચી ગઇ છે અને ૧૮ વર્ષીય નિત્યનંદિતાએ પાંચમી નવેમ્બરના રોજ ભારત છોડયું છે. નિત્યનંદિતા નેપાળથી વિદેશ ગઇ છે. બન્ને યુવતીઓએ અત્યાર સુધીમાં સોશિયલ મીડિયા મારફતે ૩૦ વીડિયો જારી કર્યા છે. આ વીડિયો જ્યાંથી આવ્યા તે અંગેના આઇ.પી. એડ્રેસ અને અન્ય વિગતોના આધારે બન્ને યુવતીઓ હાલ ક્યાં છે તે જાણવાના પ્રયત્નો થઇ રહ્યા છે. તે દરમિયાન સાિધકા પ્રાણપ્રિયાના વકીલ તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે બન્ને યુવતીઓ હાલ ત્રિનિદાદ-ટોબેગો દેશમાં છે. પ્રાણપ્રિયાના વકીલે સોગંદનામા ઉપરાંત એવી રજૂઆત કરી હતી કે નિત્યનંદિતાએ પ્રાણપ્રિયાને ઇ-મેઇલ કર્યો છે. ઇ-મેઇલ એટેચમેન્ટમાં તેણે હસ્તાક્ષર કરેલો પત્ર મોકલવામાં આવ્યો છે. જેમાં નિત્યનંદિતાએ લખ્યું છે કે અમારા માતા-પિતા દ્વારા અમારી ગુરૂબહેનો પર ખોટો કેસ કરવામાં આવ્યો છે અને પોલીસ બન્ને ગુરૂબહેનોને ખોટી રીતે હેરાન કરવામાં આવ્યા છે. જેથી હાઇકોર્ટે પ્રાણપ્રિયાના વકીલને કહ્યું હતું કે અમારા સૂચનનો કોઇ અવળો આૃર્થ ન કાઢતા પરંતુ બન્ને યુવતીઓ જો તમારા સંપર્કમાં હોય તો તેમને હાઇકોર્ટ સમક્ષ આવવા માટે જણાવો. જેના જવાબમાં પ્રાણપ્રિયાના વકીલે કહ્યું હતું કે બન્ને યુવતીઓ અમારા સંપર્કમાં નથી. તેથી હાઇકોર્ટે ટકોર કરી હતી કે બન્ને યુવતીઓ કોઇના સંપર્કમાં નથી તો આ કેસને લગતી તમામ માહિતી અને વિગતો તેમને ક્યાંથી મળે છે? જેના જવાબમાં કહેવામાં આવ્યું હતું કે યુવતીઓને ફેસબુક અને સોશિયલ મીડિયાના માધ્યમથી આ માહિતી મળી રહી છે. હાઇકોર્ટે ફરી ટકોર કરી હતી કે શું એફ.આઇ.આર.ની નકલ પણ તેમને ફેસબુકના માધ્યમથી મળી રહી છે?