કોરોના સંક્રમિત મહિલાના કોરોન્ટાઇન થયેલા પતિએ પડોશી સગીરા સાથે આચર્યું દુષ્કર્મ
હોમ કોરોન્ટાઇન થયેલા પડોશીએ સગીરા જિંદગી બનાવી દીધી નર્ક
વાપીના મોરાઈ વિસ્તારમાં એક ચકચારી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક કોરોનાના શંકાસ્પદ લક્ષણ ધરાવતા એક ઈસમે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું છે. ગર્ભવતી પત્ની કોરોના પોઝિટિવ આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારે કોરોનટાઇનમાં રહેલા આ નરાધમ પતિએ પડોશી સગીરા પર દુષ્કર્મ આચરતા સનસની મચી જવા પામી છે.
જોકે હવે આ ઈસમનો કોરોનારિપોર્ટ પણ પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે. જેથી વાપી ટાઉન પોલીસે પણ પીપીઈ કીટ પહેરીને આરોપીની અટકાયત કરી હતી. સારવાર માટે વાપીની કોવીડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. વાપી ટાઉન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ માં પણ ભય નો માહોલ ફેલાવ્યો છે.
વાપીના મોરાઈમાં રહેતી એક મહિલાનો થોડા દિવસ અગાઉ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને સારવાર માટે વલસાડની કોવીડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પત્ની કોરોના ગ્રસ્ત થતાં સાથે રહેતા પતિને આરોગ્ય વિભાગ દ્વારા કોરોનટાઇન કરવામાં આવ્યો હતો. આથી પત્નીની ગેરહાજરીમાં એકલા રહેલા પતિએ પોત પ્રકાશ્યું છે. પડોશમાં જ રહેતી એક સગીરા સાથે દુષ્કર્મ આચર્યું છે.
ઘટનાની કરીએ તો વાપી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એક વિસ્તારમાં રહેતા ઓમજી મહંતો વાપીની વેલસ્પન કંપનીમાં કામ કરે છે. હાલ કોરોનાના કપરાકાળમાં આ મહંતો પરિવાર પર આફત આવી હતી. ઓમની પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પરિવારમાં ચિંતાનો માહોલ હતો. વલસાડ આરોગ્ય વિભાગે પણ કાળજી લેતા આ પરિવારની બિલ્ડીંગને પણ કોરોનટાઇન કરી હતી.
ત્યારે આ નાજુક પરિસ્થિતિમાં પણ આ હેવાને પાડોશમાં રહેતી એક સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી હતી. આ સગીરાને પોતાના રૂમમાં લઇ દુષ્કર્મ આચર્યું હતું. પીડિત સગીરાએ પોતાની સાથે થયેલી હકીકતની જાણ પિતાને કરતા પીડિતાના પિતાએ તાત્કાલિક વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. આથી પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીની અટક કરી હતી.
મહત્વપૂર્ણ છે કે વાપીના મોરાઈમાં રહેતો આ નરાધમ આરોપી ઓમ કુમાર મહાતો વેલસ્પન કંપનીમાં કામ કરે છે. ઓમની પત્ની ૮ માસની ગર્ભવતી છે, ત્યારે પતિના આવા કારસ્તાનથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. તેની પત્નીને કોરોના હોવાથી વાપી પોલીસે પણ આરોપી બાબતે ખુબ જ કાળજી લીધી હતી. પોલીસે પીપીઈ કીટ પહેરી આરોપીની અટક કરી હતી. અને ત્યાર બાદ આરોપી ઓમનો પણ કોરોનો રિપોર્ટ કરાવ્યો હતો. ત્યારે હવે આરોપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં હડકંપ મચી જવા પામ્યો છે અને પોલીસ કર્મીઓમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો.