એક માસની બાળકીના પેટમાંથી હાથ-પગ, દાંત અને અર્ધવિકસિત અંગો ધરાવતું ભ્રૂણ દેખાયું
શહેરની એક ખાનગી હોસ્પિટલમાં એક માસની બાળકીના પેટમાંથી ઓપરેશન કરી 700 ગ્રામનું અવિકસિત ભ્રૂણ બહાર કઢાયું છે. નારિયેળ આકારના આ ભ્રૂણમાં નાના હાથ-પગ, દાંત અને અર્ધ વિકસિત શરીર હતું. ગાંઠ સ્વરૂપનું દેખાતુ આ ભ્રુણ બાળકના પેટમાં મુખ્ય ધમની અને કિડની સાથે ચોંટેલુ હતું. દોઢ કલાકની જટિલ સર્જરી બાદ ભ્રૂણને શરીરથી છૂટું કરી બાળકને નવજીવન આપવામાં આવ્યું હતું. ખંભાતમાં રહેતા દંપતીના ઘરે એક મહિના અગાઉ બાળકીનો જન્મ થયો હતો. જન્મથી બાળકના પેટનો ભાગ ફૂલેલો હતો અને તે સતત વધી રહ્યો હતો. ખંભાતના સ્થાનિક ડૉક્ટર પાસે તપાસ કરાવવાત પેટમાં ગાંઠ હોવાનું નિદાન થયું હતું. બાળકને અમદાવાદ રિફર કરવા સલાહ અપાઈ હતી. સિનિયર પીડિયાટ્રિશ્યન ડૉ. અનિરૂદ્ધ શાહ અને ડૉ. અમર શાહે આ બાળકની જરૂરી તપાસ કરાવી ઓપરેશન કરવા સલાહ આપી હતી. 11 ફેબ્રુઆરીએ બાળકના પેટની સર્જરી કરવામાં આવી હતી. બાળકના પેટમાં અવિકસિત ભ્રૂણ હોવાનું ધ્યાને આવ્યું હતું. આખરે આ ભ્રૂણને દૂર કરવામાં આવ્યું હતું. આ બાબતે ડૉ. અનિરૂદ્ધ શાહે કહ્યું કે, અવિકસિત ભ્રુણની સ્થિતિને ફિટસ ઈન ફિટૂ અથવા પેરાસિટ ટ્વિન તરીકે ઓળખવામાં આવે છે. 10 લાખ બાળકોમાં એક દુર્લભ કેસ આવો જોવા મળતો હોય છે. 45 વર્ષની પ્રેક્ટિસમાં આ આઠમો કેસ છે. જવલ્લે જોવા મળતી બાળકમાં થતી જન્મજાત ખોડ છે. પ્રેગનન્સી વખતે માતાના ગર્ભમાં ટ્વિનનો અધૂરો પ્રયત્ન છે. આ અર્ધ વિકસિત ભ્રૂણ (ફિટસ ઈન ફિટૂ) માતાના પ્લેસેન્ટા (ઓળ) થી છૂટું પડી જાય છે અને એક આવરણમાં વિકાસ પામે છે. જેનું ભરણપોષણ હોસ્ટ ટ્વિનના બ્લડ દ્વારા થાય છે. આ અધુરું ભ્રુણ સંપૂર્ણ વિકાસ તો પામતું નથી જ તેમજ હૃદય, બ્રેન, ફેફસાં પણ હોતા નથી. સામાન્ય રીતે આ ગાંઠ સામાન્ય હોય છે, પણ કોઈકવાર કેન્સરમાં બદલાઈ શકે છે.