ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 13 જૂન 2020 (16:05 IST)

ઉનાના ધારાસભ્ય પુંજાભાઇ વંશને આગળ ધરીને વિપક્ષના પ્રમુખે કરેલા આક્ષેપો પાયાવિહોણા: પ્રદિપસિંહ જાડેજા

લોકશાહીની પરંપરાને જાળવવી અને મજબૂત કરવી એ ભાજપ સરકારની પ્રાથમિકતા છે અને રહેશે. લોકશાહી બચાવવાની આડમાં કોંગ્રેસે રાજનીતિ કરીને ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવું જોઈએ. વિપક્ષના નેતા અમિત ચાવડાના આક્ષેપોને ફગાવતા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાજ્યસભાની ચૂંટણી આવે ત્યારે જ કોંગ્રેસના ધારાસભ્યો કેમ તૂટે છે એ માટે કોંગ્રેસે પોતે જ આત્મચિંતન કરવાની જરૂર છે. કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને સાચવી શકતી નથી એનો દોષ ભાજપ પર ઢોળે છે એ તેમણે સદંતર બંધ કરવું જોઈએ. કોંગ્રેસમાં અંદરોઅંદરની કૂટનીતિ આજે બહાર આવી રહી છે એના પરિણામે જ ધારાસભ્યો રાજીનામા આપી રહ્યા છે.
 
કોંગ્રેસમાં હાલ રાષ્ટ્રીય કક્ષાએ તેમના રાષ્ટ્રીય અધ્યક્ષના સંદર્ભમાં આંતરીક કલહ ચાલી રહ્યો છે, જેના પરિણામે ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યો કેન્દ્રના કયા નેતાના ઇશારે રાજીનામા આપી રહ્યા છે તે સંદર્ભે કોંગ્રેસે આત્મ ચિંતન કરવાની આવશ્યકતા છે. છેલ્લા ૪૨ વર્ષથી કોંગ્રેસનું પ્રમુખ પદ ગાંધી પરિવારના પાસે છે અને ૪૮ વર્ષથી વડા પ્રધાનનું પદ પણ ગાંધી પરિવાર પાસે રહ્યું છે. આ એની સામેની આંતર કલહની લડાઇ આજે રાજ્ય કક્ષાએ પહોંચી છે. 
 
રાજ્યમાં હાલ કોરોનાની મહામારી સામે કોંગ્રેસના ધારાસભ્યો પોતાના વિસ્તારમાં જઇ લોકોને મદદ કરવાનું વિચારતા નથી, તેના બદલે અરસ-પરસ અવિશ્વાસ અને પોતાના જ સભ્યોને બંદી બનાવીને રીસોર્ટે - રીસોર્ટે ફેરવે છે તેનું જ આ પરિણામ છે. કોંગ્રેસે  ભૂતકાળમાં પણ અનેકવાર સરકાર તોડવાનો પ્રયાસ કર્યો છે, એટલે આજે કોંગ્રેસને તેના હાથના કર્યા હૈયે વાગ્યા છે.
 
વિપેક્ષના નેતા દ્વારા દિલ્લીના ઇશારે ગુજરાત સરકાર ચાલી રહી છે તેને કડક શબ્દોમાં વખોડતા શ્રી જાડેજાએ ઉમેર્યું કે, ગુજરાત સરકાર નાગરિકોના હિત માટે અનેકવિધ પગલાઓ લઇ રહી છે. ત્યારે કોંગ્રેસે આ નિમ્ન કક્ષાનું રાજકારણ કરવાનું બંધ કરવું જોઇએ. ભાજપ લોકશાહીના મૂલ્યોના જતન માટે સંપૂર્ણ કટિબધ્ધ છે. સત્તાના જોરે ભાજપ ધારાસભ્યોને ખરીદે છે તે વાત પણ તદ્દન પાયા વિહોણી છે.
 
વિપક્ષ દ્વારા પોલીસ કર્મી કે અન્ય કર્મીઓ રાજકીય એજન્ડા મુજબ કામ કરી રહ્યા છે તેવા આક્ષેપોની કડક આલોચના કરતાં મંત્રી શ્રી જાડેજાએ જણાવ્યું કે લોકશાહીના જતન માટે રાજ્ય સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે. કાયદો કાયદાનું કામ કરશે જ ભલે પછી એ ગમે તેટલા મોટો માણસ હોય, અમે કોઈને બક્ષવા માગતા નથી એટલે લોકશાહીનું જતન કેવી રીતે કરવું એ કોંગ્રેસે અમને શીખવાડવાની જરૂર નથી.
 
ભાજપાના પૂર્વ ધારાસભ્ય અને ઉના નગર પાલિકાના પ્રમુખ કે.સી. રાઠોડ તા. ૨૮/૦૫/૨૦૨૦ના રોજ એક બેસણાના પ્રસંગે જઇ રહ્યા હતા ત્યારે કેટલાક અસામાજિક તત્વોએ રાજકીય દ્રેષ રાખીને તેમના ઉપર મધુવન ગ્રુપના માણસો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને તેમણે પણ સ્વ-બચાવમાં જરૂરી કાર્યવાહી કરેલ. આ હુમલામાં કે.સી. રાઠોડ ઘવાયા હતા અને તેમના દ્વારા કરાયેલ ફરીયાદમાં તેમની સામે રાજકીય ષડયંત્રના કારણે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે, તેવી તેમણે ઉના પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપી હતી.
 
જે સંદર્ભે તા. ૨૯/૫/૨૦૨૦ના રોજ આઇ.પી.સી.- ૩૦૭ અને આર્મ્સ એક્ટ હેઠળનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગુનામાં આરોપીઓ દ્વારા બે ગેરકાયદેસર હથિયારથી ફાયરીંગ કરવામાં આવ્યું હતું. જેમાં, તેમને ગોળી વાગી છે અને  નગર પાલિકાની ચૂંટણીના મન દુઃખના કારણે તેમના પર હુમલો થયેલો છે, તેમ કે.સી. રાઠોડે ડાઇંગ ડેક્લેરેશનમાં જણાવ્યું છે. વધુમાં, કે.સી. રાઠોડે રાજકોટ હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ થઇને ઉના પરત આવ્યા તે વખતે આપેલા વિશેષ નિવેદનમાં પણ ધારાસભ્ય પૂંજાભાઇ વંશનું નામનો તેમણે ઉલ્લેખ કર્યો છે.
 
ઉનાના ધારાસભ્ય પુંજાભાઇ વંશને આગળ ધરીને વિપક્ષના નેતાએ કરેલા આક્ષેપોને ફગાવતા પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે આ હુમલા સંદર્ભે જેઓના નામો ખૂલ્યા છે તે લોકો સાથે પૂંજાભાઇ સતત સંપર્કમાં હતા એટલે પોલીસે સી.આર.પી.સી.ની કલમ - ૧૬૦ની જોગવાઇ મુજબ આવશ્યકતાના આધારે તપાસ માટે તેમને બોલાવ્યા છે. 
 
કાયદાકીય પ્રક્રિયામાં જન પ્રતિનિધિએ સહયોગ આપવો એ નૈતિક ફરજ છે, એટલે પોલીસ ખાતા દ્વારા રાજકીય એજન્ડા પાર પાડવા માટે તેમને હેરાન કરવામાં આવે છે એ વાત તદ્દન ખોટી છે. જે બે સમન્સમાં પૂંજાભાઇ વંશ હાજર રહ્યા હતા તેની તા. ૯/૬/૨૦૨૦ની પૂછપરછ પૂર્ણ થયા બાદ પોલીસે કીધું કે હવે બોલાવીશું નહીં તેવું કહ્યું છે તે તદ્દન પાયા વિહોણી છે. તપાસ ચાલુ છે અને તપાસના કામે જરૂર પડશે તો તમને ફરીથી બોલાવવામાં આવશે, તેવું પોલીસે દ્વારા જણાવાયું હતું.