ભાજપાએ કોઇ ઊદ્યોગપતિની લોન-દેવા માફ કર્યા જ નથી –કૌભાંડ આચરનારાઓને કરી છે આકરી સજા
ખેડૂતોને આવા વાહિયાત નિવેદનોથી ગરેમાર્ગે દોરવાનું કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ બંધ કરે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર કરેલા આક્ષેપોની આકરી આલોચના કરતાં જણાવ્યું છે કે, હાલની કોરોના વાયરસની સ્થિતીમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને જુઠ્ઠાણાનો વાયરસ લાગી ગયો હોય તેમ તેમના બાલિશતા ભર્યા અને સત્યથી વેગળા નિવેદનોથી સ્પષ્ટ થાય છે.
તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણની આ સ્થિતીમાં લોકોને મદદરૂપ થવા અને જનજાગૃતિના કામોમાં સહયોગ આપવાને બદલે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નિવેદનીયા રાજકારણના આટાપાટા ખેલવામાં વ્યસ્ત છે.
ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ છે હતું કે, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષે એક વાત સમજી લેવી જોઇએ કે ભારતીય જનતા પાર્ટીની સરકારે કોઇ ઊદ્યોગપતિઓની લોન માંડવાળ કે માફ કરી જ નથી. ઉલ્ટાનું આવા કૌભાંડીઓ જેમણે બેન્કોના પૈસા ડુબાડયા છે તેમની સામે કડક કાર્યવાહિ કરી છે. એટલે રાજ્યના ખેડૂતોને ઊદ્યોગપતિઓની લોન માફ કરવાની ખોટી વાતોથી ગેરમાર્ગે દોરવાનું પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બંધ કરે. ગુજરાતના ખેડૂતો હવે કોંગ્રેસને સારી રીતે ઓળખી ગયા છે એટલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની આ નિવેદનજીવી ભ્રમજાળમાં ભરમાશે નહી.