રિક્ષાચાલકે કૉલેજની વિદ્યાર્થિનીને ગુલાબ આપી ફ્રેન્ડશીપ કરવા કહ્યું
અમદાવાદના નવરંગપુરામાં એક એવો કિસ્સો બન્યો છે જેમાં રિક્ષાવાળાએ છોકરીની છેડતી કરી હેરાન કરી. એક વાર યુવતી રિક્ષામાં બેઠી હતી ત્યારબાદ રિક્ષાચાલક દરરોજ યુવતીનો પીછો કરી રિક્ષામાં બેસવા કહેતો હતો. ગુલાબ આપી ફ્રેન્ડશીપ કરવા કહ્યું હતું. જોકે, યુવતીએ આ મામલે તેના ભાઈને જાણ કરતા તેઓએ રિક્ષાવાળાને સમજાવ્યો હતો પરંતુ તેણે તેમની સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો. અંતે વિદ્યાર્થિનીએ નવરંગપુરા પોલીસ મથકે રિક્ષાચાલક સામે ગુનો નોંધાવ્યો હતો. અમદાવાદના શીલજમાં રહેતી અને ગુજરાત યુનિવર્સિટીની અમૃત મોદી સ્કૂલમાં અભ્યાસ કરતી 18 વર્ષની યુવતી ઘરેથી કૉલેજ ટેક્ષીમાં આવે છે.
થોડા દિવસ પહેલા કૉલેજ જવા મોડું થઈ જતાં રિક્ષા કરી કૉલેજ પોહચી હતી. બાદમાં અવારનવાર આ રિક્ષાચાલક તેને રિક્ષામાં આવવા કહેતો હતો પરંતુ યુવતી ના પાડી દેતી હતી. યુવતીને એકવાર કૉલેજમાં ઉતાર્યા બાદ અવારનવાર તેનો પીછો કરવાનું શરૂ કર્યું હતું. યુવતી ઘરે જાય અથવા મિત્ર સાથે જાય તો પણ પીછો કરતો હતો. યુવતી અને તેની મિત્ર કૉલેજ પર ઉભા હતા ત્યારે રિક્ષાચાલક આવ્યો હતો અને હું તમને કોઈ નુકસાન પોહચાડવા નથી માંગતો તેમ કહી જતો રહ્યો હતો.બે દિવસ પહેલા કૉમર્સ છ રસ્તા પાસે યુવતી ઉભી હતી ત્યારે રિક્ષાચાલક આવ્યો હતો અને તમે કેમ મારી રિક્ષામાં બેસતા નથી ? મારે ધંધો થતો નથી. મારાથી કેમ ડરો છો ? એમ કહી અને જતો રહ્યો હતો.
5 મિનિટ બાદ ગુલાબ લઈ આવ્યો હતો અને ફ્રેન્ડશીપ કરવા કહ્યું હતું. જો તે નહી કરે, તો કંઈક કરી નાખશે તેમ કહી વાત કરતા યુવતીએ તેને જતા રહેવા કહ્યું હતું. આ પછી રિક્ષાચાલકે ગમે તે રીતે યુવતીનો નંબર મેળવી અને તેને ફોન કરી પોતે રજનીશ રિક્ષાવાળો બોલું છું તેમ કહ્યું હતું. યુવતીએ કૉલેજના ડીન સાથે વાત કરાવી હતી અને ફરીયાદની ધમકી આપતા ફોન કાપી નાખ્યો હતો. યુવતી HL કોલેજ પાસે ઉભી હતી અને તેનો ભાઈ તેને લેવા આવ્યો હતો. ત્યારે પણ રિક્ષાચાલક ત્યાં આવી ફ્રેન્ડશીપ કરવા કહ્યું હતું. યુવતીના ભાઈએ તેને સમજાવતા ઝપાઝપી કરી ઝઘડો કર્યો હતો.