ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 20 જૂન 2019 (21:57 IST)

મુખ્યમંત્રીએ કરી મહત્વપૂર્ણ જાહેરાત, ગુજરાતમાં માઇનીંગ સેકટર (ખનીજ-ખાણ) ક્ષેત્રને મળશે ઊદ્યોગનો દરજ્જો

આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ઔદ્યોગિક–આર્થિક વિકાસને વેગ આપતાં એક મહત્વપૂર્ણ કદમ તરીકે માઇનીંગ (ખનીજ) સેકટરને પણ ઊદ્યોગનો દરજ્જો આપવાનો નિર્ણય કર્યો છે. ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા તા.૯-૧-૧૯ના ઠરાવથી પ્રોસેસીંગ ઓફ માઈનીંગ એકટીવીટીઝને ઉદ્યોગનો દરજ્જો અગાઉ આપવામાં આવેલો છે. પરંતુ માઇનીંગ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલ ઔદ્યોગિક જગતના અગ્રગણ્ય ઉત્પાદકો દ્વારા સમગ્ર માઈનીંગ સેકટરને ઉદ્યોગનો દરજ્જો આપવાની કરાયેલી રજૂઆતનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હકારાત્મક પ્રતિસાદ આપતાં આ નિર્ણય કર્યો છે. 
 
રાજ્યમાં માઇનીંગ સેકટર-(ખનીજ) પ્રવૃતિને અને તેની સાથે સંકળાયેલા ઊદ્યોગોને હવે આ નિર્ણયને પરિણામે જમીન મહેસૂલ ધારા અંતર્ગત લેવાની થતી 66 AA અને 65 B જેવી મંજૂરીઓ સરળતાથી મળી શકશે. માઈનીંગ પ્રવૃત્તી મૂળભૂત રીતે જમીનના બિન ખેતી ઉપયોગ સંલગ્ન હોવાથી જમીન મહેસૂલ કાયદા હેઠળ પણ ઉદ્યોગકારોને ખરેખર ઔદ્યોગિક હેતુ ન હોવાથી બિન ખેતી પરવાનગી મેળવવામાં પડતી મૂશ્કેલીઓનું નિવારણ થતાં આ નિર્ણયથી માઈનીંગ ક્ષેત્રનો ઔદ્યોગિક વિકાસ ખૂબ જ ઝડપી બનશે.
 
સમગ્ર પ્રક્રિયાનું સરળીકરણ થતાં ખનીજ વિસ્તારના બ્લોક્સ ઝડપી કાર્યાન્વીત થશે અને રાજય સરકારને રોયલ્ટી સ્વરૂપે આવક પણ મળશે. જમીનની સરળ ઉપલબ્ધિ થવાથી આ ક્ષેત્રમાં વ્યાપક રોકાણ અને ઉત્પાદકીય પ્રવૃતિને વેગ મળવાથી રોજગાર અવસરો પણ વધુ મળવા શરૂ થશે. એટલું જ નહિ, ઊદ્યોગોને મળવાપાત્ર થતા લોન-સહાય કે અન્ય યોજનાકીય લાભો પણ હવેથી માઇનીંગ સેકટરમાં મળી શકશે.
 
મુખ્યમંત્રી સમક્ષ રાજ્યના માઇનીંગ સેકટર સાથે સંકળાયેલા કવોરી-સ્ટોન સહિતના ઊદ્યોગકારોએ લાંબા સમયથી જે રજૂઆતો કરી હતી તેનો તેમણે રાજ્યના સર્વાંગી વિકાસના હિતમાં સાનૂકુળ પ્રતિસાદ આપ્યો છે.