હવે ડ્રોનની મદદથી ગુજરાતના સાવજો પર દેખરેખ રખાશે
એશિયાટિક સિંહ પર થોડા સમયથી ઘાત વરસી રહી છે. સિંહના એક બાદ એક મોત સરકાર અને વન વિભાગ માટે માથાનો દુખાવો બન્યો છે તો ગેરકાયદે સિંહદર્શન વનરાજની સુરક્ષા પર સવાલ ઉઠાવી રહ્યા છે. આથી હવે સરકારે સિંહની સુરક્ષા માટે આકરું વલણ અપનાવ્યું છે. ગેરકાયદે લાયન શોને કરતા લોકો માટે વન વિભાગે કાયદો કડક કર્યો છે. સાથે જ ગીરની આસપાસના વિસ્તારમાં ગેરકાયદે સિંહદર્શનની પ્રવૃત્તિને ડામવા વન વિભાગે પ્રથમવાર ડ્રોનની મદદથી સર્વેલન્સ સિસ્ટમ અમલમાં મુકી છે.
નવી ડ્રોન વ્યવસ્થા અંગે વન વિભાગના મુખ્ય વન સંરક્ષક દુષ્યંત વસાવડાએ જણાવ્યું કે, જે વિસ્તારોમાં ગેરકાયદે સિંહદર્શનની પ્રવૃત્તિ ચાલી રહી છે, તેવા વિસ્તારોમાં ડ્રોનથી દેખરેખ રાખવામાં આવશે. તે માટે સાસણ ગીર ખાતે ડ્રોન સર્વેલન્સનું ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું છે. ખાસ કરીને ગેરકાયદે લાયન શો માટે પ્રખ્યાત એવા શેમરડી, ભોજદે, ઉના, બાબરીયા તેમજ અમરેલીના અમુક વિસ્તારોમાં આ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે.
સિંહની મુવમેન્ટ મોટાભાગે રાત્રીના સમયે જ થતી હોય છે, એટલે વન વિભાગના અધિકારી દુષ્યંત વસાવડાએ જણાવ્યું હતું કે, અમે નાઈટ વિઝન કેમેરાનો પણ ઉપયોગ કરીશું. સિંહના અભ્યાસુ અને જાણકાર એવા જયદીપ ઓડેદરાએ વન વિભાગના પગલાંને આવકારતા જણાવ્યું કે, ડ્રોનના ઉપયોગના કારણે સિંહના સંરક્ષણની કાર્યવાહીમાં ખુબ જ ફાયદો થશે.