શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 23 મે 2018 (14:49 IST)

અમદાવાદમાં નાગરિકોને મોબાઇલ એપથી પાર્કિંગની જાણકારી અપાશે

મેગાસિટી અમદાવાદ વિકાસની દૃષ્ટિએ હરણફાળ ભરી રહ્યું છે મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ પણ શહેરને સ્માર્ટસિટી બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે. શહેરીજનોને સૌથી વધારે કનડતી સમસ્યા ટ્રાફિકની છે. દરરોજ ટ્રાફિક જામનો પ્રશ્ન વિકટ બની રહ્યો છે. અણધડ પાર્કિંગ વ્યવસ્થાના કારણે અનેકવાર જે તે કોમર્શિયલ બિલ્ડિંગ, મોલ કે પે એન્ડ પાર્કમાં વાહન પાર્ક કરવા જગ્યા હોવા છતાં રોડ પર વાહન પાર્ક કરી દેવાય છે. જેના કારણે તંત્ર દ્વારા નાગરિકોને વધુ સુચારૂ ઢબની પાર્કિંગ વ્યવસ્થા પૂરી પાડવા માટે સ્માર્ટ પાર્કિંગ પ્રોજેક્ટ હાથ ધરાયો છે, જે અંતગર્ત તંત્ર દ્વારા મોબાઇલ એપથી નાગરિકોને આંગળીના ટેરવે પાર્કિંગ વ્યવસ્થાની જાણકારી પૂરી પડાશે. શહેરમાં હાલમાં ૭.પ૦ લાખ ફોર વ્હીલર, ર૮ લાખ ટુ વ્હીલર, ૧.રપ લાખ ઓટોરિક્ષા, ૩૮૦૦ લકઝરી બસ, ૩૦૦૦ માલવાહક ટ્રક આરટીઓમાં રજિસ્ટર્ડ થયાં છે. દૈનિક નવાં ૮૦૦ વાહનનું અમદાવાદમાં રજિસ્ટ્રેશન થઇ રહ્યું હોઇ આગામી પાંચ વર્ષમાં નવાં ૧ર૭૭ લાખથી વધુ વાહન ઉમેરાશે. બીજી તરફ પિકઅવર્સ દરમ્યાન ઠેરઠેર ટ્રાફિક જામથી વાહનચાલકો તોબા પોકારી રહ્યા છે.

છેલ્લા કેટલાક સમયથી મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર દ્વારા ટ્રાફિકના પ્રશ્નના નિરાકરણ માટે ગંભીરતાથી પ્રયાસ હાથ ધરાઇ રહ્યા છે. એક તરફ તંત્ર દ્વારા નવા બ્રિજ પ્રોજેકટ અમલમાં મુકાઇ રહ્યા છે. ફાટકમુક્ત અમદાવાદની ઝુંબેશ હેઠળ અમદાવાદ-બોટાદ રેલવે લાઇન પર ૧૬ અંડર પાસ બનાવવાનું આયોજન આગળ ધપાવાઇ રહ્યું છે. આની સાથે સાથે નવાં પે એન્ડ પાર્કની સુવિધા પણ ઊભી કરાઇ રહી છે. તંત્ર દ્વારા ટ્રાફિક મેનેજમેન્ટના એક ભાગરૂપે ખાસ સ્માર્ટ પાર્કિંગ પ્રોજેક્ટ હાથ ધરાયો છે, જે મુજબ આગામી દિવસોમાં સત્તાવાળાઓ નાગરિકોને પાર્કિંગ વ્યવસ્થાની જાણકારી તેમના મોબાઇલ પર આંગળીના ટેરવે પૂરી પાડવા મોબાઇલ એપની સુવિધા આપવાના છે. આ માટે ઝોનદીઠ રપ કોમર્શિયલ બિલ્ડિંગ મુજબ શહેરભરની કુલ ૧પ૦ કોમર્શિયલ બિલ્ડિંગની એન્ટ્રી અને એકિઝટ ગેટ પર સેન્સર મૂકવાની હિલચાલ આરંભાઇ છે.