રાજકોટમાં ક્રાઈમબ્રાંચના નામે નકલી પોલીસે સોની વેપારીઓને લૂંટી લીધા
રાજકોટ શહેરમાં બંસી હોલમાર્ક નામની દુકાન પર ઘરેણાઓમાં હોલમાર્ક કરાવવા ગયેલા જેતપુર અને મુંબઈના બે વેપારીઓને બે બાઈક પર આવેલા ચાર શખસોએ ક્રાઈમ બ્રાન્ચના નામે આંતરીને ઘરેણા ચેક કરવાના બહાને ૨૧.૬૬ લાખના ઘરેણા લઈને નાસી છુટયાના બનાવ એ ડિવીઝન પોલીસ મથકે નોંધાયો છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે યમુના જ્વેલર્સ નામે દુકાન ધરાવતા સોની વેપારી જયવંતભાઈ હરીલાલ લાઠીગરા મંગળવારે રાજકોટમાં ઘરેણાઓને હોલમાર્ક કરાવવા માટે આવ્યા હતા. ત્યારે સોનીબજારમાં એક શખસે અટકાવ્યા હતા. અન્ય ત્રણ શખસો તુરત જ ધસી આવ્યા, અમે ક્રાઈમબ્રાન્ચમાં છીએ, પોલીસનું ચેકીંગ ચાલી રહ્યું છે થેલામાં કોઈ હથિયાર કે કાંઈ નથીને ? થેલો ચેક કરવો પડશે.’ જયવંતભાઈએ વિશ્વાસમાં આવી થેલાની ચેઈન ખોલીને થેલો ચેક કરાવતા એક શખસે થેલો જોયો. વેપારીએ થેલામા વજન ઓછું લાગતા તુરત જ થેલો ચેક કરતા અંદરથી ઘરેણા ગાયબ હતા. તુરત જ તપાસ કરી પરંતુ ચારેય શખસો બે બાઈકમા ફરાર થઈ ગયા હતા. વેપારી એ ડિવીઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. તેમની સાથે ઘટના ઘટી એવી જ રીતે મુંબઈના વેપારી કલ્પેશ સુરેશભાઈ મંડોરા તથા તેના બીજા વેપારી મિત્ર અંકિત જૈન બંને રાજકોટ ઘરેણા વેચવા આવ્યા હતા. યુનિર્વિસટી રોડ પર ડી જ્વેલર્સના વેપારીએ બ્રેસલેટ હોલમાર્ક કરાવવા આપતાં બંને વેપારી ભુપેન્દ્રરોડ બંસી હોલમાર્ક ખાતે જ ગયા હતા અને ત્યાંથી નીકળતાં બંનેને નજીકમાં જ આંતરીને સાંકડી શેરીમાં લઈ ગયા હતા. જ્યાં ક્રાઈમબ્રાન્ચના નામે થેલો ચેક કરવાનું કહીં કલ્પેશના ૫૫૦ ગ્રામ સોનાના તૈયાર ઘરેણા ૫૫૦ કડા, નેકલેશ સેટ તેમજ અંકિત જૈનના ૭૨૨.૬૫૦ ગ્રામ ઘરેણા બંનેની નજર ચૂકવી સેરવી લઈને ચારેય શખસો નાસી છૂટયા હતા. બંને ઘટનામાં પોલીસે એક ફરિયાદ નોંધી રાબેતા મુજબ તપાસ આદરી છે. અલગ અલગ સી.સી.ટીવી ચેક કરતાં આરોપીઓ દેખાયા ખરા પરંતુ હેલમેટ પહેરેલી હોઈ ચહેરા સ્પષ્ટ ન થતા હોવાનું પી.આઈ. વી.વી. ઓડેદરાએ જણાવ્યું હતું. જેતપુરના વેપારીના થેલામાંથી જ્યા ઘરેણા કાઢયા એ શ્રીમાળી હોસ્પિટલની સામે જ કોઠારીયા નાકા પોલીસચોકી આવેલી છે. અસલી પોલીસની સામે જ નકલી પોલીસે બિંદાસ્તપણે વેપારીને અટકાવીને ઘરેણા સેરવી લીધા હતા તેના પરથી ખ્યાલ આવે કે રાજકોટમાં પોલીસની ધાક કેવી અને અસ્તિત્વ કેવું ?