રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 28 એપ્રિલ 2018 (17:25 IST)

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે અમદાવાદની 2.20 લાખ ચો.મી. જમીન થશે સંપાદિત

ગુજરાત સરકારના સૌથી વધુ મહત્વના ગણાતા બુલેટ ટ્રેન પ્રોજેકટ અંતર્ગત અમદાવાદમાં 2,20,581 ચોરસ મીટર જમીન સંપાદિત કરાશે. કોર્પોરેશનની હદમાં આવતા કેટલાક વિસ્તારોની જમીન રાજ્ય સરકાર દ્વારા જ સંપાદન કરવામાં આવશે. તે અંગેની જાણ કરવા અંગેની તાકીદની દરખાસ્ત ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવી હતી. આ વિસ્તારોની મોટા ભાગની જમીન સરવે નંબર 61માં સમાવેશ થતો હોવાનું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પ્રવીણ પટેલે જણાવ્યું હતું. બુલેટ ટ્રેન પ્રોજેકટની ડેડલાઈન 2022 નક્કી કરવામાં આવી છે.

આ ડેડલાઈનની મર્યાદામાં પ્રોજેકટ પૂરો થઈ જાય તે માટે રાજય સરકારે જમીન સંપાદન કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. મહેસુલ વિભાગે બુલેટ ટ્રેનના રૂટમાં આવતા ખેડા, આણંદ, અમદાવાદ, સુરત અને વલસાડ જિલ્લાના 45 જેટલા ગામડાઓમાં જમીન સંપાદન કરવા માટેનુ પ્રાથમિક જાહેરનામુ પ્રસિદ્ધ કરી દીધુ હોવાનું સૂત્રોનુ કહેવુ છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પ્રવીણ પટેલે કહ્યું કે, અમદાવાદ શહેરના વિસ્તારોની જમીન પણ બુલેટ ટ્રેનના રૂટમાં આવતી હોવાના કારણે સંપાદન કરવુ આવશ્યક છે.બુલેટ ટ્રેન પ્રોજેકટ નક્કી સમય મર્યાદામાં પૂર્ણ થાય તે માટે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન (ખાસ બોડી) રચાઈ છે. પ્રોજેકટના મોનિટરિંગ માટે ત્રિસ્તરીય વ્યવસ્થા છે. રેલ્વે બોર્ડના ચેરમેન પ્રોજેકટની પ્રગતિ અંગે 3 મહિને રિપોર્ટ લેશે.