શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 11 એપ્રિલ 2018 (11:54 IST)

18 માસની દિકરીને ઘરમાં ઘૂસેલો દિપડો ભરખી ગ્યો, બાપ આખરે લાડકવાયીને બચાવી ના શક્યો

ઉના પંથકમાં એક બાપે પોતાની લાડકવાયીને બચાવવા દિપડા સાથે બાથ ભીડી હોવાની ઘટનાએ ભારે ચર્ચામાં છે. ઊનાનાં મોઠા ગામે વાડી વિસ્તારમાં પરિવારની નજર સામે જ ઘરમાં ઘુસી આવેલો દીપડો 18 માસની બાળકીને ઉપાડી ગયો હતો. જોકે પિતાએ 1 કિમી સુધી દીપડાનો પીછો કરી માથામાં કોણી મારી પુત્રીને સકંજામાંથી છોડાવી લીધી હતી પરંતુ બચાવી શક્યા ન હતાં.

મંગળવારે રાત્રીનાં 9 વાગ્યાની આસપાસ આ અરેરાટી ભરી ઘટના બની હતી.  પ્રાપ્ત વિગત પ્રમાણે ઉનામાં રહેતા અને હિરા ઘસવાનું કામ કરતાં રૂપેશભાઇ ગોસ્વામીનાં માતા-પિતા મોઠા ગામે વાડી વિસ્તારમાં રહેતા હોય મંગળવારે રૂપેશભાઇ, તેમનાં પત્ની તારાબેન 18 માસની પુત્રી રીદ્ધીને લઇ માતા-પિતા પાસે ગયા હતાં અને રાત્રીનાં ઘરમાં ભોજન કરી રહયાં હતાં ત્યારે 9 વાગ્યાની આસપાસ અચાનક દીપડાએ ધસી આવી રમી રહેલી રીધીને ગળાનાં ભાગેથી પકડી ઉપાડી ગયો હતો. માતા-પિતા અને ફઇની નજર સામે જ દીપડો બાળકીને ઉપાડી જતાં રૂપેશભાઇ જમવાનું છોડી દીપડા પાછળ દોટ મુકી હતી અને 1 કિમી સુધી પીછો કરી દીપડાને હાથની કોણી મારી પુત્રીને સકંજામાંથી મુક્ત કરાવી લીધી હતી. લોહી લુહાણ હાલતમાં રીદ્ધીને ઊનાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાતાં તબીબે તેને મૃત જાહેર કરી હતી. પરિવાર આ ઘટનાથી હતપ્રભ બની ગયો હતો. આ ઘટનાને પગલે પંથકમાં હાહાકાર મચી ગયો હતો.